Rain Update: સુરતમાં આઠ ઈંચથી વધુ વરસાદથી પૂર જેવી સ્થિતિ, મોટાભાગના વિસ્તારો ફેરવાયા બેટમાં
Rain Update: સુરતમાં છ કલાકમાં સાડા આઠ ઈંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સાડા આઠ ઈંચ વરસાદમાં સ્માર્ટ સિટી સુરત ડૂબી થતાં પ્રિમોનસૂન પ્લાનની પોલ ખુલ્લી ગઇ છે.

Surat Rain Update:સુરતમાં આજે મેઘરાજાની તોફાની બેટિંગે સુરત અને સુરતના ગ્રામ્ય વિસ્તારને અસ્તવ્યસ્ત કરી દીધું છે. મોટાભાગના રસ્તાઓ, માર્કેટ, પોલીસ સ્ટેશન, કોલેજ, શાળા, હોસ્ટેલ દરેક જગ્યાએ પાણી ભરાઇ જતાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
સુરતમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. મનપાનો પ્રિ-મોન્સૂન પ્લાન વરસાદી પાણીમાં ધોવાતા સ્થાનિકોમાં મનપાની કામગીરી પ્રત્યે રોષ છે. પ્રિ-મોનસૂન પ્લાનના મનપાના દાવાઓની પોલ ખૂલી ગઇ છે. સુરત શહેરના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા છે. સુરત શહેરમાં ઘૂંટણથી કેડસમા પાણી ભરાતા એસટી વ્યવહાર પણ ખોરવાયો છે. બહારથી આવતી કે સુરતથી ઉપડતી એસટી બસો બંધ કરાઇ છે.સુરત શહેરના રસ્તાઓ પર નદીઓ વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સુરતનું સરથાણા પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું છે.
સુરતમાં અનેક વિસ્તાર જળમગ્ન બન્યાં છે. શાળા- કોલેજોમાં પણ પાણી ભરાઇ જતાં રજા જાહેર કરાઈ છે. 8 ઇંચ વરરસાદે મનપાના પોકળ દાવાની પોલ ખોલતા સ્થાનિકોમાં પણ રોષ છે. સુરત મનપાના શાસકો સામે શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે એક સાથે વરસાદ પડતા આ સ્થિતિ સર્જાયાનો જનપ્રતિનિધીઓએ પ્રતિભાવ આપ્યો હતો.
સુરતમાં ડભોલીના માર્ગો પર ઘૂટણસમા પાણી ભરાયા છે. તો જીલાણી બ્રિજ પાસે ધૂંટણસમા પાણી ભરાયા છે. રોડ પર એટલું પાણી જોવા મળી રહ્યું છે કે, વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે લોકો પાણીમાં વાહન મૂકીને ચાલીને જવા મજબૂર બન્યા હતા. સુરતના સરથાણામાં પાણી ભરાયા હતા. ઉન્નતી મનો દિવ્યાંગ હેસ્ટેલમાં પણ પાણી ઘૂસી ગયાનો અહેવાલ છે. દિવ્યાંગ હોસ્ટેલમાં પાણી ભરાતા શિક્ષિકાએ મદદ માટે અપીલ કરી છે.
સુરતની રઘુકુળ માર્કેટ પણ જળમગ્ન બની છે. દુકાનોમાં પાણી ઘૂસતા માલસામાનને નુકસાન પહોંચ્યું છે.માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. માર્કેટ ઉપરાંત અખંડઆનંદ કોલેજ પાસે પાણી ભરાયા હતા. કોલેજના ગેટ પાસે ગોઠણસમા પાણી ભરાતા વિદ્યાર્થી અને સ્ટાફની મુશ્કેલીને જોતા કોલેજમાં રજા જાહેર કરાઇ છે. સુરતનો સહારા દરવાજા વિસ્તાર પણ જળમગ્ન બન્યો છે. ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓ ચિંતામાં મૂકાયા છે.





















