વસંત ગજેરા બંધુઓ સામે ફરિયાદ નોંધવા હાઈકોર્ટનો આદેશ, 30થી વધુ બેંક લોકર્સ પણ ફ્રીઝ
Surat News: વસંત ગજેરા બંધુઓ સામે ફરિયાદ નોંધવા હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરને હુકમ કર્યો છે. ઇન્કમટેક્સ વિભાગની 6 દિવસની તપાસમાં 1,900 કરોડનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ મળ્યાં છે.

Surat News: સુરત પોલીસ કમિશનરને હાઈકોર્ટે વસંત ગજેરા બંધુઓ સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. બોગસ સહીઓ કરી હિસ્સો 43 ટકાથી ઘટાડી 4.03 ટકા કરી દેવાયાનો વસંત ગજેરા બંધુઓ પર આરોપ લાગ્યો છે. વસંત ગજેરા, અશોક ગજેરા અને રાકેશ ગજેરા વિરૂદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટે આદેશ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, પ્રવિણ અગ્રવાલનો 43 ટકા શેર હડપવાનો ગજેરા બંધુઓ પર આરોપ છે. પ્રવિણ અગ્રવાલની ફરિયાદ મુજબ ગુનો નોંધવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.
લગભગ 6 દિવસ સુધી આવકવેરા વિભાગની DDI વિંગ દ્વારા ગજેરા બંધુઓની તમામ કન્સ્ટ્રક્શન સાઈટ્સ, ડાયમંડ યુનિટ્સ, ફેક્ટરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ તેમની પાસેથી 1,900 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા છે. તપાસના અંતે 30 કરોડ રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા, તો સાત દિવસની તપાસમાં આવકવેરા વિભાગને 30 કરોડની રોકડ રકમ હાથ લાગી હતી.
શું છે આરોપ
ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, અશોક ગજેરા, રાકેશ ગજેરા અને વસંત ગજેરાએ તેમના તેમજ તેમના પત્ની અને પિતાની અનેક બોગસ અને બનાવટી સહીઓ કરી હતી. આ કૂટલેખન દ્વારા ફરિયાદીનો કંપનીમાં હિસ્સો 43% થી ઘટાડીને માત્ર 4.02% કરી નાખવામાં આવ્યો હતો. ફક્ત એટલું જ નહીં, બોગસ ડિજિટલ સહીઓના આધારે ફરિયાદીનું ડિરેક્ટર પદ પણ રદ કરી દેવામાં આવ્યું હતું. આ તમામ દસ્તાવેજો રજીસ્ટ્રાર ઓફ કંપનીઝમાં સાચા તરીકે રજૂ કરી છેતરપિંડી આચરી છે.
ફરિયાદી પ્રવીણ દેવકીનંદન અગ્રવાલની ફરિયાદ મુજબ તે ‘શાંતિ રેસીડેન્સીસ પ્રા. લિ.’માં 43% હિસ્સો ધરાવે છે. ગજેરા બંધુઓએ આ કંપનીની મિલકતો બજાર ભાવે વેચી માત્ર જંત્રી મુજબની નોમિનલ રકમ કંપનીના ચોપડે બતાવી બાકીના કરોડો રૂપિયાની ઉચાપત કર્યોની ફરિયાદ છે.























