સુરતઃ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં શાનદાર દેખાવ કરીને સોપો પાડી દીધો છે. આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 5 વોર્ડની ચાર-ચાર મળીને 20 બેઠકો પર જીત મેળવી છે જ્યારે બે વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આમ આદમી પાર્ટીના 23 ઉમેદવારો જીત્યા છે.




સુરતમાં આમ આદમી પાર્ટની શાનદાર જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફોન કરીને ગુજરાત આમ આદમી પાર્ટના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને શુભકામનાઓ આપી છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ શાનદાર એન્ટ્રી કરી છે.
સુરતમાં વોર્ડ નંબર 5(ફુલપાડા-અશ્વની કુમારમાં આપની પેનલની જીત થઈ છે. તેમજ વોર્ડ નંબર 17 (પુણા પૂર્વ)માં આપની પેનલની જીત થઈ છે. આ સિવાય વોર્ડ નંબર-2માં આમ આદમી પાર્ટીની આખી પેનલનો વિજય થયો છે. આ પહેલા વોર્ડ નંબર 16માં જીત મેળવીને આમ આદમી પાર્ટીએ પોતાની પહેલી જીત મેળવી હતી.

વોર્ડ નંબર 8માં ભાજપના 3 ઉમેદવારો અને આણ આદમી પાર્ટીના 1 ઉમેદવારની જીત થઈ છે. આ ઉપરાંત વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ તોડીને બે આપના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે.

આમ આદમી પાર્ટીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉન સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ મંબર 4 એમ બે વોર્ડમાં શાનદાર જીત અને વોર્ડ નંબર 8માં ભાજપની પેનલ તોડીને એક બેઠક મેળવીને ભાજપને આંચકો આપ્યો છે. વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 4ની ચાર-ચાર બેઠકો પર ભવ્ય જીત મેળવીને આમ આદમી પાર્ટીએ શાનદાર દેખાવ કર્યો છે.

સુરત મનપા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામ જોઇએ તો ભાજપની 61 બેઠક પર જીત થઈ છે. જ્યારે આપની 23બેઠક પર જીત થઈ છે.