સુરતઃ ગુજરાતમાં હાલ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ પછી સુરતમાં સૌથી વધુ કેસો છે, ત્યારે આજે ઓલપાડ તાલુકામાં કોરોનાના ચાર કેસ નોંધાયા છે. ઓલપાડના સાયણ , મોર , સૌંદલાખારા અને ભાંડૂતમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. સાયણમાં 20 વર્ષીય યુવક , મોરમાં 31 વર્ષીય યુવક, સૌંદલાખારામાં 40 વર્ષીય મહિલા અને ભાંડૂતના 56 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને લોકોની બેદરકારી સામે આવી રહી છે. ઓલપાડ તાલુકામાં કુસ 26 કેસ પોઝિટિવ છે. ગઈ કાલે સાંજની અખબારી યાદી પ્રમાણે જિલ્લામાં 45 કેસ નોંધાયા હતા. જેની સામે ગઈ કાલે 35 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ 401 એક્ટિવ કેસ છે.



રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 372 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 20 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 15944 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 980 થયો છે.

ગઈ કાલે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ 253, સુરત 45, વડોદરા 34, ગાંધીનગર 8, મહેસાણા 7, છોટા ઉદેપુર 7, ક્ચ્છ 4, નવસારી 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્ય 1-1 કેસ નોંધાયા છે.