Surat marijuana trafficking: સુરતમાં નશાના સોદાગરો હવે ગાંજાની હેરાફેરી માટે નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. તાજેતરમાં સારોલી પોલીસે રૂપિયા બે લાખની કિંમતના ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં એક કોલેજનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ૧૮ કિલોથી વધુ ગાંજા સાથે આ વિદ્યાર્થી સહિત બે આરોપીઓની ધરપકડ કરી ૨.૪ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલ કોલેજનો વિદ્યાર્થી ઓરિસ્સાની આરસીએમ કોલેજનો ટી.વાય.બી.કોમ.માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
ઓરિસ્સાથી સુરતમાં ગાંજા ઘુસાડવાનું નેટવર્ક છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, જેને તોડવામાં સુરત પોલીસને ઘણી સફળતા પણ મળી છે. તેમ છતાં, નશાના સોદાગરો ઓરિસ્સાથી સુરતમાં ગાંજો લાવવાના પ્રયાસોમાં લાગેલા છે. પરંતુ સુરત પોલીસે ફરી એકવાર તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. સારોલી પોલીસે ઓરિસ્સાથી ગાંજાની ડિલિવરી કરવા આવેલા બે લોકોને ઝડપી પાડ્યા છે.
સારોલી પોલીસને બાતમી મળી હતી કે બે વ્યક્તિઓ ઓરિસ્સાથી ગાંજાનો મોટો જથ્થો લઈને સુરત આવી રહ્યા છે અને તેઓ કામરેજથી સારોલી નિયોલ ચેકપોસ્ટ તરફ આવવાના છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંનેને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેના થેલામાં તપાસ કરતાં પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૧૮.૧૭૭ કિલોગ્રામ ગાંજા સાથે આરોપી બિકાસ પાડી અને ચંદ્રમણી પ્રધાનની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી ગાંજાનો જથ્થો અને મોબાઈલ મળી કુલ ૨.૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાના ભુઆ પાંડી દ્વારા સુરત ડિલિવરી માટે મોકલવામાં આવ્યો હતો, જે સુરતમાં રહેતા કાના પરિડાને સપ્લાય કરવાનો હતો. પોલીસે આ કેસમાં સંડોવાયેલા ભુઆ પાંડી અને કાના પરિડાને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
વધુમાં, અત્યાર સુધી નશાના સોદાગરો સામાન્ય લોકોને ગાંજાની હેરાફેરી માટે ઉપયોગ કરતા હતા, પરંતુ સુરત પોલીસની સતત કાર્યવાહીના કારણે હવે તેમણે નવો રસ્તો અપનાવ્યો છે. આ વખતે ગાંજાની હેરાફેરી માટે કોલેજના વિદ્યાર્થીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એક ચોંકાવનારી બાબત છે. ઝડપાયેલો આરોપી બિકાસ પાડી ઓરિસ્સાની આરસીએમ કોલેજનો ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. તે આઠ વર્ષ પહેલાં પોતાના પરિવાર સાથે કતારગામ વિસ્તારમાં રહેતો હતો અને તેનો મોટો ભાઈ હાલ અમરોલી વિસ્તારમાં રહે છે.
બીજો આરોપી ચંદ્રમણી પ્રધાન ઓરિસ્સામાં ખેતીકામ કરે છે. ચંદ્રમણી અને બિકાસ બે વર્ષ પહેલાં એક જ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને તેમની વચ્ચે મિત્રતા હતી. બંનેએ મળીને ભાગીદારીમાં ગાંજાનું વેચાણ કરીને પૈસા કમાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેઓ સફળ થાય તે પહેલાં જ પોલીસના હાથે પકડાઈ ગયા હતા.
આ કેસમાં ઓરિસ્સાના ભુઆ પાંડીએ ગાંજાનો જથ્થો આપ્યો હતો, જ્યારે ઓરિસ્સાના જ કાના પરિડાએ વચેટિયાની ભૂમિકા ભજવી હતી. કાના પરિડાએ ચંદ્રમણી અને બિકાસને ગાંજો અપાવ્યો હતો અને સુરતમાં ગ્રાહકોની વ્યવસ્થા પણ કરી આપવાનો હતો, જેના બદલામાં તેમને કમિશન મળવાનું હતું.
ઉલ્લેખનીય છે કે ઓરિસ્સાથી સુરત સુધી ગાંજાની સપ્લાયની ચેઇન લાંબા સમયથી ચાલી રહી છે અને મોટાભાગે ટ્રેન મારફતે ગાંજો લાવવામાં આવે છે. જો કે, આ વખતે કોલેજના વિદ્યાર્થીનો ઉપયોગ થયો હોય તેવી આ પ્રથમ ઘટના છે, જે પોલીસ માટે પણ એક પડકારજનક બાબત છે. સારોલી પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે કે આ વિદ્યાર્થી અને અન્ય આરોપી કેટલા સમયથી આ રીતે ગાંજાની હેરાફેરી કરી રહ્યા હતા અને તેની પાછળનું કારણ શું છે.