સુરતઃ 19થી 25 જુલાઈના સાત દિવસમાં ગુજરાતમાં કોરોના વાયરસને કારણે 179 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાંથી માત્ર સુરત શહેરમાં જ 100 લોકોના મોત થયા છે. આમ જોવા જઈએ તો છેલ્લા સાત દિવસમાં કુલ મોતના 56 ટકા મોત એકલા સુરત શહેરમાં થયા છે. આ આંકડો માત્ર સુરત જ નહીં પણ રાજ્ય સરકાર માટે પણ આંકડો ચોંકાવનારો છે.


છેલ્લા સાત દિવસમાં સમગ્ર ગુજરાતમાં 7236 કોરોના પોઝિટિવ દર્દી નોંઘાયા છે, તેમાં માત્ર સુરતમાં જ 27.14 ટકા એટલે 1964 દર્દી નોંધાયા છે.

કેસ વધવા કરતાં આખા ગુજરાતમાં સૌથી વધુ મોત સુરતમાં થતાં હોવાથી ચિંતામાં વધારો થયો છે.  સુરતમાં 19 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે રોજના 14લોકોના સરેરાશ મોત થયા છે, જેમાં 21 જુલાઈએ સૌથી વધુ 21 મોત અને 25 જુલાઈએ સૌથી ઓછા 11 મોત થયા છે.  છેલ્લા સાત દિવસમાં આખા ગુજરાતમાં 179 મોત નોંધાયા, જેમાંથી માત્ર સુરતમાં જ 100 મોત એટલે કુલ મોતના 56.17 ટકા મોત નોંધાતા હાહાકાર મચી ગયો છે.

સુરતમાં 19 માર્ચના રોજ વિદેશથી આવેલી યુવતિને કોરોના આવ્યા બાદ 25 જુલાઈ સુધીમાં 11969 કોરોના કેસ થઈ ગયા છે. આખા ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા 25 જુલાઇ સુધીમાં 54712 હતી તેમાંથી સુરતના 11969 કેસ એટલે 21.87 ટકા દર્દી માત્ર સુરતમાં જ છે. આ સત્તાવાર આંકડા છે.

શનિવારે સાંજ સુધીમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 54712 અને 2305 મોત નોંધાયા છે. સુરતમાં અત્યાર સુધીમાં 532 લોકોની જીંદગી કોરોનામાં હોમાઈ ગઈ છે.  જે ગુજરાતના અત્યાર સુધીના મૃત્યુ આંકમાં 23.08 ટકા છે.