સુરતઃ સુરતમાં આજથી એક પણ ખાનગી લક્ઝરી બસ પ્રવેશ કરશે નહીં. તમામ ખાનગી લક્ઝરી બસ સુરત શહેરની બહાર વાલક પાટિયાથી જ ઉપડશે અને ખાલી પણ ત્યાં જ થશે. આ નિર્ણય ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીના વિરોધ બાદ લક્ઝરી બસના માલિકોએ લીધો છે. જેને લઈ સુરતથી આવ-જાવ કરતાં મુસાફરોને 10થી 20 કિમી સુધી ફરીને જવું પડશે. આ પહેલા કુમાર કાનાણીએ પત્ર લખી પોલીસને રજૂઆત કરી હતી કે, સુરતમાં લક્ઝરી બસ સહિતના ભારે વાહનો પ્રવેશતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. ત્યારબાદ લક્ઝરી બસના 150થી વધુ માલિકોએ બેઠક કરી નિર્ણય કર્યો હતો કે, આજથી તમામ બસ સુરત શહેરની બહારથી જ ઉપડશે.


સુરતમાં ખાનગી બસ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ 21-2-2023 થી તમામ લકઝરી બસો સુરત બહાર થી ઉપડશે અને સવારે બહારથી આવતી તમામ બસો સુરત બહાર જ ઉભી રહેશે. શહેરમાં સવારે-રાત્રે થતા ટ્રાફિકને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં 150 થી લકઝરી બસના માલિકો દ્વારા મિટિંગમાં જાહેરાત કરવામાં આવી છે. સુરત શહેરમાં દરોજ 500 થી વધુ બસોની આવન જાવન રહે છે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને અમદાવાદની બસો હોય છે.  


તમામ બસો વાલક પાટિયાથી ઉપડશે


સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યા બાદ ખાનગી બસ ઓપરેટરોએ રોષે ભરાઈને એક મીટિંગ બોલાવી હતી. જેમાં શહેરમાં પ્રવેશવાની છૂટના સમયે પણ ખાનગી બસો શહેરમાં પ્રવેશ નહીં કરે અને 21 તારીખથી વહેલી સવારથી તમામ બસો વાલક પાટિયા ખાતે ઉભી રહી જશે અને ત્યાંથી જ ઓપરેટ થશે તેવો નિર્ણય લેવાયો હતો. મુસાફરોએ પોતાના સ્વખર્ચે બસ સુધી આવવું પડશે અને ત્યાંથી પોતાના સ્થળ પર જવું પડશે.


પ્રસંગો માટે ભાડે કરવામાં આવતી બસ પણ સિટીમાં પ્રવેશ નહીં કરે


સુરત લકઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશનના દિનેશ અણઘણના કહેવા મુજબ, શહેરમાંતી રોજની એવરેજ 500થી વધુ ખાનગી બસો ઓપરેટ થાય છે. પ્રસંગોપાત પણ લોકો બસ બુક કરાવે છે. રેગ્યુલર બસોની સાથે પ્રસંગો માટે ભાડે કરવામાં આવતી બસ પણ સિટીમાં પ્રવેશ નહીં કરે. તેમણે કહ્યું, ધારાસભ્ય કુમાર કાનાણીના વિસ્તારમાં અનેક દૂષણઓ છે તેની સામે નવિધો કરીને પત્ર લખ્યો નથી. બસ સસ્તી પ્રસિદ્ધી માટે ખાનગી બસોને ટાર્ગેટ કરવામાં આવે છે, જેની હાલાકી હવે સામાન્ય લોકોને પડશે.