Rahul Gandhi News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં હાજર થયા, કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા. માનહાનિ કેસમાં કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. રાહુલ ગાંધી સાથે કે.સી.વેણુગોપલ પણ સુરત કોર્ટમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના વકીલ કિરિટ પાનવાલા પણ હાજર રહ્યા હતા, રાહુલ ગાંધી સામે ફરિયાદ કરનારા ભાજપ નેતા પૂર્ણેશ મોદી પણ હાજર રહ્યા હતા.


10 હજારના બોન્ડ પર જામીન


સજા જાહેર થયા બાદ રાહુલ ગાંધીને સુરત કોર્ટે 10 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા.


કોંગ્રેસમાં સોંપો


રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થતાં તેમનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ્દ થઈ શકે છે. રાહુલ ગાંધીને દોષિત અને સજા જાહેર કરાતાં ગુજરાત કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે.


રાહુલ ગાંધીએ શું કર્યું ટ્વિટ


રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન છે. – મહાત્મા ગાંધી






શું છે મામલો


 આ કેસની વિગત એવી છે કે વર્ષ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેંગ્લોરના કલ્લારૂ ખાતે પોતાના ભાષણમાં તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વિવાદીત ટિપ્પણી કરી હતી. જેને લઈ  ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે.    


અમિત ચાવડાએ શું કહ્યું


માનહાનીના કેસમાં આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન  આપતાં કહ્યું, ન્યાય પાલિકા પર વિશ્વાસ છે,તરફેણમાં ચુકાદો આવશે. મહાત્મા ગાંધી અંગ્રેજો સામે લડ્યા હતા, રાહુલ ગાંધી નવા અંગ્રેજો સામે લડી રહ્યા છે. ખોટા કેસ કરી પરેશાન કરવામાં આવી રહ્યા છે.