Schools Closed: દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે તાપી જિલ્લામાં પણ તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ સુરતમાં કાપડ બજારથી લઈને વેપારી વિસ્તારો સુધી પાણી ઘૂસતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સતત વરસાદને કારણે સુરતમાં છેલ્લા 36 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે અને શહેરમાં 85 વર્ષનો વરસાદનો રેકોર્ડ પણ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, શાળા-કોલેજોમાં જાહેર રજા

Continues below advertisement

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના તમામ શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. તાપી જિલ્લામાં પણ વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપીને શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ યથાવત છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ 18.19 ઈંચ અને કામરેજમાં 17 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારી શહેરમાં પણ 15 ઈંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે.

આ પણ વાંચોઃ Surat Rain: સુરતના કામરેજમાં 12 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

સુરતની તમામ ટેક્સટાઈલ માર્કેટ આજે બંધ

ભારે વરસાદને કારણે સુરત શહેરની તમામ ટેક્સટાઈલ માર્કેટ આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રઘુકુળ ટેક્સટાઈલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં વરસાદી પાણી ઘૂસી જતાં અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જે.ડી. માર્કેટમાં પણ દુકાનોમાં પાણી ઘૂસતાં વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. દુકાનોમાં પાણી ભરાવાના કારણે કાપડ સહિતનો કિંમતી માલસામાન પલળી જતાં વેપારીઓએ કરોડો રૂપિયાનું નુકસાન થયાનો દાવો કર્યો છે. ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર કાપડ બજાર આજે બંધ રાખવામાં આવ્યું છે.

વરાછાની પંચવટી માર્કેટમાં વેપારીઓની હાલત કફોડી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી પંચવટી માર્કેટમાં પણ ભારે વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. અનાજ અને કાપડની અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વેપારીઓને આખી રાત માર્કેટમાં જ રોકાઈને દુકાનોમાંથી પાણી કાઢવાના પ્રયાસો કરવા પડ્યા હતા. મોટર પંપ દ્વારા દુકાનોમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ સતત વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. વેપારીઓનું કહેવું છે કે છેલ્લા 36 કલાકમાં પડેલા 18 ઈંચથી વધુ વરસાદે શહેરની વ્યવસ્થાને ખોરવી નાખી છે.

પોદ્દાર આર્કેડમાં 100થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ

વરાછાની પોદ્દાર આર્કેડમાં સૌથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 100થી વધુ દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં મોબાઈલ, ઈલેક્ટ્રિક ગેજેટ્સ અને અન્ય કિંમતી માલસામાનને ભારે નુકસાન થયું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર એક-એક દુકાનમાં અંદાજે 50 લાખથી એક કરોડ રૂપિયાનો માલસામાન હતો, જે પાણીમાં પલળી જતાં મોટું આર્થિક નુકસાન થયું છે.

વેપારીઓએ સુરત મહાનગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમનો આરોપ છે કે મુશ્કેલીની ઘડીમાં મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ ફોન પણ ઉપાડતા નહોતા. વેપારીઓનું કહેવું છે કે હાલની સ્થિતિ સામાન્ય બનવામાં ચાર મહિના જેટલો સમય લાગી શકે છે, જેના કારણે વેપાર પર લાંબા ગાળાની અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.