Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
South Gujarat Rain News: સુરત શહેરમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદ ગાયબ રહ્યા બાદ આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ હતી

- ગુજરાતમાં લાંબા વિરામ બાદ દક્ષિણ-સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન.
- સુરત, નવસારી, વલસાડ, ભાવનગરમાં ધોધમાર વરસાદ નોંધાયો.
- નાગરિકોને ઉકળાટથી રાહત, ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા.
South Gujarat Rain News: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજ્યના વિવિધ ભાગોમાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ ધમાકેદાર વાપસી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં ધોધમાર વરસાદ તૂટી પડતાં લોકોને અસહ્ય ઉકળાટ અને ગરમીથી મોટી રાહત મળી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતાં ધરતીપુત્રો અને સામાન્ય નાગરિકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
સુરત શહેરમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદ ગાયબ રહ્યા બાદ આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ હતી. માત્ર 30 મિનિટના ગાળામાં જ શહેરના ઉધના, વરાછા, કાપોદ્રા, પાર્લે પોઈન્ટ, અઠવાલાઈન્સ, ઘોડદોડ રોડ અને ચોપાટી જેવા પોશ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સુરત જિલ્લાના ઓલપાડ અને માંડવી તાલુકાના ગામડાઓમાં પણ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
બીજી તરફ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પણ મેઘમહેર જોવા મળી છે. વાંસદા શહેર ઉપરાંત આસપાસના જૂજ અને કંબોયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડવાના અહેવાલ છે. આ પંથકમાં ખરીફ પાક માટે પૂરતો વરસાદ થતાં ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. આ સિવાય, વલસાડ શહેરમાં પણ તિથલ રોડ અને ભાગડાવાડા સહિતના છૂટાછવાયા સ્થળો પર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ભાવનગર શહેરમાં પણ લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં લાંબા સમય પછી વરસાદ પડતાં નાગરિકોને બફારા અને ઉકળાટથી મુક્તિ મળી છે. સમગ્ર રાજ્યમાં આ વરસાદી પ્રક્રિયા ચાલુ રહેવાની સંભાવના જોવામાં આવી રહી છે.






















