સુરત: સુરતમાં ચાર કલાકમાં સાંબેલાધારે સાડા સાત ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. સાડા સાત ઈંચ વરસાદમાં સુરત શહેર પાણીમાં ડૂબ્યું છે. વહેલી સવારથી જ સુરતમાં જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે વરસાદને પગલે સુરત પ્રશાસને તાત્કાલિક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ
સુરત શહેરમાં ભારે વરસાદના પગલે કમાન્ડ કંટ્રોલ વિસ્તારથી સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સુરતનો સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. વરાછાના ભવાની સર્કલથી રામનગરનો રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર અનેક વાહનો ફસાયા છે.
તાપી વિયર પરનો કોઝ-વે પાણીમાં ગરકાવ
ઋષભ ચાર રસ્તા, ગુજરાત ગેસ સર્કલ ચાર રસ્તાને ખૂલ્લો કરાયો છે. ગેલમંડી વિસ્તારના રોડ પર પણ વાહન વ્યવહાર પૂર્વવત કરાયો છે. અનેક વિસ્તારમાં દ્વિ અને ચાર ચક્રી વાહનો પાણીમાં ડૂબ્યા છે. તાપી વિયર પરનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. સલામતીના ભાગરૂપે શાળા- કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. રાત્રિથી શરૂ થયેલો વરસાદ બપોરના પણ અવિરત છે.
સુરત જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. શહેર અને જિલ્લાનું પાણી પણ તાપી નદીમાં આવી રહ્યું છે. ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. વિયર કમ કોઝવે તેની ભયજનક સપાટીથી ઉપર વહેતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. જ્યારે આ કોઝવેનો વાહન વ્યવહાર અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
સુરત શહેરના તમામ વિસ્તારમાં ઘૂંટણથી કેડસમા પાણી ભરાયા છે. સુરતના અનેક માર્કેટોમાં પાણી પાણી થઇ ગઇ છે સુરતના અડાજણ, રાંદેર વિસ્તાર પણ જળમગ્ન છે. સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. પુણા વિસ્તારની અર્ચના સ્કૂલ નજીક પાણી ભરાતા આ વિસ્તારની રસ્તો બ્લોક થઇ ગયો છે. અડાજણના એલપી સવાણી સર્કલ નજીક કેનાલ રોડ પર પાણી ભરાયા છે. વેડરોડ ખાતે આવેલી ધર્મનંદન ચોક ખાતે રસ્તા પર જ નદી વહેતી આવી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.