સુરતઃ બારડોલીના ધામદોડ લુભા ગામે 24 વર્ષીય યુવતીએ સગાઇના પાંચ દિવસ પહેલા જ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. 24 વર્ષીય એન્જીનિયર દીકરીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આપઘાત કરનાર અંજલીની પાંચ દિવસ પછી સગાઈ હતી. ત્યારે અંજલીના આપઘાતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશના ગિરવરસિંહ ભદોરીયા કારના શોરૂમમાં વોચમેન તરીકે નોકરી કરે છે. તેમને ત્રણ દીકરીઓ છે, જેમાં બેના લગ્ન થઈ ગયા છે. જ્યારે અંજલીની સગાઇ નક્કી થઈ ગઈ હતી. તેમજ તેની અઠવાડિયા પછી સગાઇ હતી. બુધવારે ગિરવરસિંહ નોકરીએ જતા રહ્યા હતા, જ્યારે માતા મંદિર જવાની તૈયારી કરી રહ્યા હતા.
માતાને મંદિરે જવાનું હોવાથી તેમણે દીકરીને ઉઠવા માટે બૂમ પાડી હતી. આ પછી માતાએ દરવાજો પણ ખખડાવ્યો હતો, પરંતુ અનેકવાર બૂમો પાડવા છતાં દરવાજો ન ખોલ્યો નહોતો. આ સમયે ભાઇઓ જાગી જતાં તેમણે બારીમાંથી જોતાં અંજલી પંખા સાથે લટકી રહી હતી. આથી તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. જોકે, અંજલીએ કેમ આપઘાત કર્યો તેનું કારણ જાણી શકાયું નથી.
આગામી 15મી માર્ચે અંજલની સગાઇ થવાની હતી. આ માટેની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. જોકે, સગાઈના પાંચ દિવસ પહેલાં જ અંજલીએ આપઘાત કરી લેતાં બંને પક્ષના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસ તપાસ પછી અંજલીના આપઘાતનું કારણ જાણવા મળી શકે છે.