સુરતઃ ધોરણ-12ની વિદ્યાર્થિની સાથે વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધી 20 હજાર રૂપિયા પડાવનાર ભાજપના કાર્યકર વિશાલ ઉર્ફે ભૂષણ પાટિલની ઉધના પોલીસે ધરપકડ કરી લીધી છે. 20 દિવસ અગાઉ ભાજપના કાર્યકર સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. ઉધના પોલીસે બળાત્કાર, પોક્સો અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.
ભાજપના કાર્યકરે 17 વર્ષીય છોકરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પણ પડાવ્યા હતા. આમ છતાં પણ તેની પજવણી ચાલું રહેતી સગીરાએ આરોપી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ભાજપ કાર્યકર્તા સામે દુષ્કર્મ, એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાવી હતી.
આરોપી વિશાલ ઉર્ફે ભુષણ પાટીલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અગાઉ કિશોરી સાથે છેડતીના ગુનામાં જેલમાં હતો. જામીન પર છૂટ્યા બાદ વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. ઉધના પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. વિશાલે ઉધનાની ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ બંને ફરવા જતા હતા ત્યારે તેણે સગીરાની અશ્લીલ તસવીરો પાડી લીધી હતી. આ પછી તો વિશાલ તેને બ્લેકમેલ કરીને વારંવાર શરીરસુખ માણવા લાગ્યો હતો.
જોકે, વિશાલથી કંટાળેલી સગીરાએ પરિવારને વાત કરતાં ઘરના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારના સભ્યો વિશાલને આ અંગે સમજાવવા જતાં તેમને જાતિ વિષયક અપશબ્દો કહી અપમાન કર્યું હતું. તેમજ તેમને બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. બીજી તરફ વિશાલથી ડરીને સગીરાએ તેને 20 હજાર રૂપિયા આપ્યા હતા. આ પછી પણ વિશાલે હેરાનગતિ ચાલું રાખતા અંતે કંટાળેલી સગીરાએ પોલીસનો સહારો લીધો હતો.