અમદાવાદઃ રાજ્યમાં કોરોના ઘાતક (Gujarat Corona Cases) બન્યો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા અને નવ ઓક્ટોબર 2020 એટલે 178 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો (Active Cases) આંક 16 હજારને પાર થયો છે. હાલ 16 હજાર 252 એક્ટિવ કેસ છે અને 167 દર્દી વેન્ટીલેટર પર છે. કુલ કેસનો આંક 3 લાખ 21 હજાર 598 અને કુલ મૃત્યુઆંક 4 હજાર 581 થયો છે. એપ્રિલના પાંચ દિવસમાં જ 13 હજાર 900 કેસ અને 66 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 132 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે.
સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લેતાં ફફડાટ
સુરતમાં કોરોનાના કેસ હવે બાળકોમાં પણ વધુ જોવા મળી રહ્યા છે. 13 વર્ષના બાળકનું કોરોનાથી હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકમાં કોરોનાના કોઈ જ લક્ષણ નહોતા. અત્યાર સુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. 10 વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે. મળતી વિગત પ્રમાણે મોટા વરાછા ખાતે ડી-માર્ટ (D Mart) પાસે આવેલી ભવાની હાઇટ્સમાં (Bhavani Heights) રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટના 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. તેને કોરોનાના જે સામાન્ય લક્ષણો છે એવા કોઈ નહોતા અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવાયો જે પોઝિટિવ આવ્યો અને તબિયત વધુ બગડતા સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો. જ્યાં પાંચ કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
મહારાષ્ટ્રમાં કુલ 88 હજારથી વધુ બાળકો કોરોના પીડિત
મહારાષ્ટ્રમાં આવેલા કોરોનાની બીજી લહેરનો ફટકો નાના બાળકોને પડયો છે. રાજ્યમાં અત્યાર સુધી 88 હજાર 827 નાના બાળકો કોરોનાના સપાટામાં આવી ગયા છે. કોલ્હાપુર જિલ્લામાં દસ વર્ષના લગભગ 2 હજાર 9 બાળકો કોરોનામાં ઝડપાઇ ગયા છે. નાના બાળકોમાં કોરોના વધતો હોવાથી રાજ્ય સરકાર ચિતિંત છે. રાજ્યમાં પ્રથમ લહેરમાં નાના બાળકોમાં કોરોના પીડિતની સંખ્યા ઓછી હતી.
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
31 માર્ચ |
2360 |
9 |
30 માર્ચ |
2220 |
10 |
29 માર્ચ |
2252 |
8 |
28 માર્ચ |
2270 |
8 |
27 માર્ચ |
2276 |
5 |
કુલ કેસ અને મોત |
25,278 |
102 |
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત આજે કુલ 3,00,280 લોકોને રસીકરણ કરવામા આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 67,62,638 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,10,126 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.