Surat Deputy Mamlatdar Suicide: સુરત શહેરના રાંદેર (Rander) વિસ્તારમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ઓલપાડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર (Deputy Mamlatdar) તરીકે ફરજ બજાવતા હિનીષા પટેલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા (Suicide) કરી લેતા સમગ્ર વહીવટી તંત્ર અને મહેસૂલ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. મૃતક અધિકારી અને તેમના પતિ બંને સરકારી વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં, કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ રહસ્ય છે.
પતિ કાર લેવા ગયા અને પત્નીએ ફાંસો લગાવી દીધો
પ્રાપ્ત વિગતો અનુસાર, રાંદેર વિસ્તારમાં રહેતા હિનીષા પટેલ અને તેમના પતિ કેતન પટેલ બંને મહેસૂલ વિભાગમાં ફરજ બજાવે છે અને બંનેનો હોદ્દો નાયબ મામલતદારનો છે. રોજિંદા ક્રમ મુજબ આજે સવારે બંને પતિ-પત્ની ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. પતિ કેતન પટેલ ગાડી લેવા માટે બિલ્ડિંગની નીચે ઉતર્યા હતા અને પત્નીની રાહ જોઈ રહ્યા હતા. જોકે, ઘણો સમય વીતવા છતાં હિનીષાબેન નીચે ન આવતા કેતનભાઈએ ઉપર જઈને તપાસ કરી હતી. બેડરૂમમાં જઈને જોયું તો તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે તેમના પત્ની ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
અગાઉ નનામી અરજી થઈ હતી, પણ 'ક્લીનચિટ' મળી હતી
આ ઘટનાની જાણ થતાં જ સુરત મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હિનીષા પટેલ અને તેમના પતિ વર્ષ 2023 માં જ બઢતી મેળવીને રેવન્યુ તલાટીમાંથી નાયબ મામલતદાર બન્યા હતા. થોડા સમય પહેલા હિનીષાબેન વિરુદ્ધ જમીન સંબંધિત બાબતે એક નનામી અરજી કરવામાં આવી હતી. જોકે, આ બાબતે ગાંધીનગર (Gandhinagar) સ્તરેથી તપાસ કરવામાં આવી હતી અને તેમાં તેમને નિર્દોષ જાહેર કરી 'ક્લીનચિટ' આપવામાં આવી હતી. આમ છતાં, આ જૂની ઘટનાનું કોઈ માનસિક દબાણ હતું કે પછી કોઈ ઘરેલુ કારણ જવાબદાર છે, તે હજુ અકબંધ છે.
પોલીસ તપાસ શરૂ: મોબાઈલ ડેટા પર નજર
ઘટનાની ગંભીરતાને જોતા રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ આર. ચૌધરીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી કોઈ પણ પ્રકારની 'સુસાઈડ નોટ' (Suicide Note) મળી નથી, જેના કારણે આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવું મુશ્કેલ બન્યું છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે મૃતકનો મોબાઈલ ફોન કબજે કર્યો છે અને તેમની કોલ ડિટેલ્સ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવશે. અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ પરિવારજનોના નિવેદન લેવામાં આવશે, જેથી સત્ય બહાર આવી શકે.