સુરતઃ શહેરમાં યંગ કપલે લોકોને 2 વર્ષમાં રૂપિયા ડબલ કરવાની ગેરન્ટી આપીને 35 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. એકના ડબલની ગેરેન્ટી આપરનાર ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ કંપની ઊઠી જતાં કંપનીના ડિરેક્ટરો સહિત 9 વિરુદ્ધ સરથાણા પોલીસમાં ગુનો દાખલ થયો છે. આરોપી ભાર્ગવ પ્રવીણચંદ્ર પંડ્યાએ સરથાણા જકાતનાકા પાસે ગોકુલમ આર્કેડમાં 5 વર્ષ પહેલાં આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ કરવા ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ. નામથી માર્કેટિંગ કંપની શરૂ કરી હતી. ભાર્ગવ લોકોને લલચાવવા બોલિવૂડ પાર્ટી પણ આપતો હતો.

આ કાંડમાં ભાર્ગવની સાથે તેની પત્ની શિવાની અને ભાઈ મહેન્દ્રપણ સામેલ હતાં. કંપનીમાં રોકાણ કરવાથી આયુર્વેદિક પ્રોડક્ટ કે અન્ય કોઈ સામાન આપતા હતા. ભાર્ગવે શરૂ કરેલી સ્કીમમાં શરૂઆતમાં રૂ.7500 ભરવાના હતા તેમજ પોતે રોકાણ કરાવ્યા બાદ બીજા સભ્યો બનાવનારને કમિશન આપવાની જાહેરાત કરી હતી.

ફાઇલ ફોટો.

ભાર્ગેવ રોકાણકારોને 24 માસમાં ડબલ રૂપિયા આપવાની ગેરન્ટી આપી હતી. એટલું જ નહીં, કોઈ વસ્તુ ન જોઈતી હોય તો માત્ર રોકાણ પણ કંપનીમાં કરી શકાય એવી પણ સ્કીમ હતી. ભાર્ગવે દાવો કર્યો હતો કે સ્કીમમાં રામદેવ પીવીસી પાઇપ અને રોયલ કન્સ્ટ્રક્શનનું મોટું કામકાજ થાય છે. એપ્રિલ 2019માં કંપની ઊઠી જતાં એની ઓફિસ પણ બંધ કરી દેવાઈ હતી.

ઓફિસ બંધ થઈ જતાં રોકાણકારો દોડતા થઈ ગયા હતા અને રડવાનો વારો આવ્યો હતો. રોકાણકારો પૈકીના અભિમન્યુ પાટીલે પોતે અને ઓળખીતા 27 લોકોના 45.50 લાખ મળી કુલ 63.30 લાખનું કંપનીમાં રોકાણ કર્યું હતું. એ પૈકી રોકાણકારોને 17.80 લાખ રૂપિયા કમિશન પેટે પાછા મળી ગયા હતા.જોકે, રૂપિયા ન મળતાં 9 સામે ઠગાઈ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ઠગાઇના કેસમાં ભાર્ગવ, જિતેન્દ્ર મોહંતો, કૌશિક રાઠોડ(રહે. અમરોલી), સંજય દેસાઈ(રહે. રાજ પેલેસ,અડાજણ) અને વિનોદ વણકર(રહે. ગાર્ડન વ્યૂ એપાર્ટમેન્ટ,રાંદેર)ની ધરપકડ થઈ છે, જ્યારે શિવાની, મહેન્દ્ર, હનીસિંઘ અને નવીન મોહંતો(બંને રહે. તલંગપુર રોડ) વોન્ટેડ છે.

ભાર્ગવ પંડ્યા અને તેના સાગરિતો મુંબઈ અને દિલ્હીમાં કંપનીના પ્રમોશન માટે પ્રમોશનલ પ્રોગ્રામ કરતા હતા. તેઓ ઘણી વખત ઓછી ખરીદી પર વિદેશ ટૂરની પણ લાલચ આપતા હતા. એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતા હતા. આ કેસની તપાસ ઈકો સેલને સોંપાઈ છે. 2018માં મુંબઈમાં બોલિવૂડ એક્ટરોને અવોર્ડ આપવા યોજાયેલા સાતમા ટીફા અવોર્ડ સેરેમનીને ભાર્ગવ પંડ્યાની કંપનીએ સ્પોન્સર કરી હતી. એમાં ઘણા બોલિવૂડના કલાકારો હાજર રહ્યા હોવાની માહિતી મળી છે.