સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં કોરોનારૂપી કાળ (Surat Corona Cases) નાના બાળકોને ભરખવા લાગ્યો છે. થોડા દિવસો પહેલા મોટા વરછામાં રહેતા 13 વર્ષના બાળકનું મોત થયા બાદ આજે માત્ર 14 દિવસના બાળકનું મોત થતાં પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જન્મના ત્રીજા દિવસે તબિયત લથડ્યા બાદ 11 દિવસની સારવાર બાદ મોત થયું હતું. ઉચ્છલના નવજાતનું સુરત સિવિલમાં (Civil Hospital) સારવાર દરમિયાન મોત થતાં માતાએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. બાળકની માતાના આક્રંદથી સુરત સિવિલ કેમ્પસમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સુરત સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના નવજાત માસુમનું કોરોનાથી મોત થતાં તંત્ર અલર્ટ થઈ ગયું છે. કિડની અને ખેંચની બીમારી સાથે બાળકને કોરોના થયો હતો. ગુજરાતમાં 14 દિવસના બાળકનું કોરોનાની 11 દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કેસ છે.
બાળકના પિતાએ જણાવ્યું કે, જન્મના ત્રીજા દિવસે પુત્રની તબિયત બગડી હતી. અમે વ્યારા લઈ ગયા હતા, જ્યાં કેટલાક રિપોર્ટ બાદ બાળક કોરોના પોઝિટિવ હોવાનું કહી અમને બાળક સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરી દેવાયા હતા.
સુરતમાં 11 દિવસના બાળકને રખાયું વેન્ટિલેટર પર
સુરતમાં ડાયમંડ એસોસિયેશન દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થયેલા માત્ર 11 દિવસના શિશુને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે. બાળકને રેમડેસિવિર ઇન્જેક્શન પણ અપાઈ રહ્યું છે. હોસ્પિટલ નોન-કોવિડ હોવા છતાં બાળકના કિસ્સામાં ખાસ વ્યવસ્થા કરાઈ છે.
સુરતમાં શું છે કોરનાનું ચિત્ર
સુરત શહેરમાં મંગળવારે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 22 મોત નોંધાયા હતા. મંગળવારે સુરત શહેર-જિલ્લામાં કોરોનાના નવા 1441 કેસ સામે આવ્યા હતા. જે પૈકી જિલ્લામાંથી 177 કેસ નોંધાયા હતા. નવા કેસનો ઉમેરો થતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 77,857 પર પહોંચી ગઈ છે.મંગળવારે શહેરમાં 617 અને જિલ્લામાં 171 લોકો મળી કુલ 788 લોકોને સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 69539 લોકો સાજા થઇ રજા લઈ ચુક્યા છે.હાલ શહેર જિલ્લામાં કુલ 6991 એક્ટિવ કેસ છે. સરકારી હોસ્પિટલમાં 1320 દર્દીઓ ગંભીર હાલતમાં છે.