Surat:  RTI એક્ટિવિસ્ટ બની તોડ કરનાર મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં મહેન્દ્ર પટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે સુરતની કેપિટલ મોર્ડન સ્કૂલના ટ્રસ્ટીઓએ પાસેથી મહેન્દ્ર પટેલે 13 લાખથી વધુનો તોડ કર્યો હતો.


ગયા વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં શાળાના બાંધકામ અને બીયુ પરમિશન અંગે RTI કરી બે મહિનામાં કટકે કટકે 13 લાખ રૂપિયા પડાવ્યા હતા.આ તરફ શિક્ષણમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ સ્કૂલ સંચાલકોને અપીલ કરી કે, જો કોઈ બ્લેકમેઈલ કરી પૈસાની માંગણી કરતું હોય તો શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવે.


નોંધનીય છે કે ગાંધીનગરના સેકટર 7-ડીમાં રહેતા મહેન્દ્ર પટેલ વિરૂદ્ધ સીઆઈડી ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો હતો. મહેન્દ્ર પટેલે ગુજરાતના અલગ-અલગ શહેરમાં જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને ધાક ધમકી આપી 66 લાખ રૂપિયાનો તોડ કર્યાનો ખુલાસો થયો હતો. CID ક્રાઈમે આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી હતી. જોકે કોર્ટે આરોપી મહેન્દ્ર પટેલના 2 ફેબ્રુઆરીના સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા મંજૂર કર્યા હતા.


સીઆઈડી ક્રાઈમે જરૂરી પુરાવાઓની તપાસ માટે રિમાન્ડની માંગ કરી હતી. અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. મહેન્દ્ર પટેલ RTI એક્ટિવિસ્ટ તરીકે માહિતી માંગતો હતો.


મહેન્દ્ર પટેલે 18થી વધુ શાળાઓનો તોડ કર્યો હતો.  સુરતના એક શાળા સંચાલક પાસેથી તેણે 66 લાખ રૂપિયા પડાવ્યા હતા. મહેન્દ્ર પટેલ શાળાની મંજૂરી વિશે RTI કરી માહિતી માંગતો હતો.  બાદમાં નિયમોના ઉલ્લંઘન બદલ મંજૂરી રદ કરાવવાની ધમકી આપી પૈસા પડાવતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તોડબાજ મહેન્દ્ર પટેલ સાથે શિક્ષણ વિભાગના જ કેટલાક પૂર્વ અને વર્તમાન અધિકારીઓની સંડોવણી છે. CID ક્રાઈમને મહેન્દ્ર પટેલ પાસેથી 400થી વધુ ફાઈલો ઉપરાંત 1 કરોડ, 46 લાખ રૂપિયા મળી આવ્યા છે.   


બીજી તરફ આણંદ જિલ્લાના સુંદલપુરા પ્રાથમિક શાળાના આચાર્યને ફરજ મોકૂફ કરાયા હતા. થોડા દિવસ પહેલા આચાર્ય હિરેન બ્રહ્મભટ્ટે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા બાળકને લાત મારી હતી. બાદમાં બાળકને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે ઉમરેઠની હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર મામલે પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમ શાળામાં પહોંચી અને શિક્ષકો તેમજ પિડિત વિદ્યાર્થીની પૂછપરછ કરી હતી. તપાસ રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણાધિકારીએ આચાર્યને ફરજ મોકૂફ કરવાનો આદેશ કર્યો હતો. સાથે જ અન્ય શાળામાં આવી ઘટના ન બને તે માટે કડક સૂચના આપી હતી.