Surat Fire Accident: સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં ફરી એકવાર આગની ગોઝારી ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ બાળકે જીવ ગુમાવ્યો છે. માંગરોળ તાલુકાના હથોડા ગામની સીમમાં આવેલા પેપરના એક તોતિંગ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ (Massive Fire) ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ત્યાં રમી રહેલા શ્રમજીવી પરિવારના માસૂમ બાળકનું આગમાં હોમાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટી (Fire Safety) ના અભાવ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
રમત રમતમાં મળ્યું મોત
મળતી વિગતો અનુસાર, હથોડા ગામની જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલી 'સત્યમ ઈન્ડસ્ટ્રીઝ'ના પતરાના શેડવાળા ગોડાઉનમાં મોટા પાયે પેપર રોલનો જથ્થો સંગ્રહિત હતો. અહીં રોજીરોટી કમાવવા આવેલા મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના બલ્લો ડામોર અને તેમના પત્ની મજૂરી કામ અર્થે બહાર ગયા હતા. તે સમયે તેમનો 5 વર્ષીય પુત્ર રાહુલ ડામોર અને અન્ય એક બાળક ગોડાઉનની અંદર રમી રહ્યા હતા. અચાનક અગમ્ય કારણોસર ગોડાઉનમાં આગ લાગી હતી. પેપરનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન એક બાળક દાઝી ગયેલી હાલતમાં બહાર દોડી આવ્યું હતું, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું હતું, પરંતુ નાનકડો રાહુલ આગની જ્વાળાઓમાં ફસાઈ ગયો હતો.
5 કલાકની જહેમત બાદ કાટમાળમાંથી મળ્યો દેહ
આગની જાણ થતાં સુમીલોન, પલસાણા અને કામરેજ સહિતની 5 થી વધુ ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. પેપરના રોલ હોવાથી આગ બુઝાવવામાં ભારે મુશ્કેલી પડી હતી. આશરે 5 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. ત્યારબાદ જ્યારે ફાયર વિભાગે કુલિંગ પ્રક્રિયા હાથ ધરી ત્યારે સાંજે 5:30 વાગ્યાના અરસામાં કાટમાળ વચ્ચેથી બાળકનો સંપૂર્ણ બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. વ્હાલસોયા પુત્રના મોતના સમાચાર મળતા જ માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ફાયર સેફ્ટીના નામે મીંડું
આ દુર્ઘટનાએ તંત્રની બેદરકારીની પોલ ખોલી નાખી છે. સ્થાનિકો અને ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, આટલા વિશાળ પેપર ગોડાઉનમાં આગ બુઝાવવા માટેના કોઈ પણ સાધનો કે ફાયર સેફ્ટી સિસ્ટમ ઉપલબ્ધ નહોતી. ફાયર ફાઈટરોને પાણી મેળવવા માટે પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. ગોડાઉનની બહાર માલિકનું નામ કે વિગત દર્શાવતું બોર્ડ પણ નહોતું.
ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ (Kosamba Police) કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને બાળકના અવશેષો કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, ગોડાઉન માલિક કોણ છે અને આગ કયા કારણોસર લાગી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.