અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સુરત મનપા પ્રશાસન જાગ્યું હતું. સુરત મનપાએ એરપોર્ટને નડતરરૂપ 27 પૈકીની 5 ઈમારતનો રિ-સર્વે શરૂ કર્યો હતો. પાલના કાસા રિવેરા, વેસુના KPM ટેરા પ્રોજેકટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સેલેસ્ટિયલ ડ્રીમ્સ પ્રોજેકટનો પણ મનપાએ રિસર્વે કર્યો હતો. કાસા રિવેરાના 36 ફ્લેટ ખાલી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. કાસા રિવેરામાં મનપાએ નોટિસ આપી હતી. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો ફ્લેટ ખાલી નહીં કરે તો પાણીનું કનેકશન કાપી નાખવામાં આવશે.
કાસા રિવેરામાં રહેતા બિલ્ડર રામદે ભાદરકાએ દાવો કર્યો હતો કે એરપોર્ટની NOC બાદ કાસા રિવેરાનું બાંધકામ કરાયું છે. હવે રિ- સર્વેના નામે હેરાન કરાતા હોવાનો બિલ્ડરે આરોપ લગાવ્યો હતો. ત્રણેય મિલકતોના અઢીથી 5 કરોડની કિંમતના 151 વૈભવી ફ્લેટ ખાલી કરવાના આદેશ અપાયા હતા. આ ત્રણ ઈમારતોને બિલ્ડીંગ યુઝ પરમિશન મળી નથી.
અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ પ્રશાસન હવે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. ટેક ઓફ, લેન્ડિંગ સમયે જોખમી ઈમારતોનો રિ-સર્વે શરૂ કરાયો હતો. કાસા રિવેરા, KPM ટેરા, સેલેસ્ટિયલ ડ્રીમ્સને બીયુ અપાઇ નથી. કાસા રિવેરાના 36 ફ્લેટ, કેપીએમ ટેરાના 74 ફ્લેટ, સેલેસ્ટીયલ ડ્રીમ્સના 41 ફ્લેટ ખાલી કરવાનો આદેશ અપાયો છે. 27 પૈકીની 5 નડતરરૂપ ઈમારતોનો રિ સર્વે શરૂ કરાયો હતો. મનપાની નોટિસના પગલે બિલ્ડરો બચાવમાં ઉતર્યા હતા. એરપોર્ટની NOC બાદ ગગનચુંબી ઈમારતનું બાંધકામ કર્યાનો દાવો બિલ્ડરો કરી રહ્યા છે.
અમદાવાદમાં પણ ઈમારતોના સર્વે શરૂ
સુરત બાદ અમદાવાદ કલેકટર દ્વારા એરપોર્ટ આસપાસ આવેલ ઈમારતનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે. આગામી ત્રણથી ચાર દિવસમાં કલેકટર દ્વારા કમિટીની રચના કરવામાં આવશે. એરપોર્ટ આસપાસના ચારથી પાંચ કિલોમીટર વિસ્તારની ઇમારતોનો સર્વે કરવા કમિટી બનાવવામાં આવશે. AMC ના ઉત્તર ઝોનના dymc તેમજ અન્ય અધિકારીઓને પણ કમિટીમાં સામેલ કરાશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલ મંજૂરીની ચકાસણી કર્યા બાદ ઇમારતો મામલે નિર્ણય કરાશે.
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમોનો હેતુ એરપોર્ટ નજીક ગેરકાયદેસર ઇમારતો અને વૃક્ષો પર નિયંત્રણ કડક બનાવવાનો છે અને જો કોઈ ગેરકાયદેસર ઇમારતો બનાવવામાં આવી હોય તો તેને તોડી પણ શકાય છે. ઉપરાંત, જો બાંધકામ નિર્ધારિત ઊંચાઈ સુધી ન કરવામાં આવે તો કાર્યવાહી કરી શકાય છે.
211 મૃતકોના ડીએનએ મેચ થયા
નોંધનીય છે કે અત્યાર સુધીમાં અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ રાહત અને મૃતદેહોની ઓળખનું કાર્ય ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 241 લોકોમાંથી અત્યાર સુધીમાં 211 મૃતકોના ડીએનએ તેમના પરિવારજનો સાથે મેચ કરવામાં આવ્યા છે. આમાંથી 189 મૃતદેહો તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા છે, જ્યારે 22 મૃતદેહો ટૂંક સમયમાં સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.