Surat News: ચૂંટણી ટાણે સુરતમાં હડતાળ શરૂ થઇ છે. સુરતમાં BRTS બસ ચાલકોએ હડતાળનો રસ્તો અપનાવ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, સુરતમાં BRTS ડ્રાઇવરો પગાર વધારાની માંગને લઇને પાલિકા તંત્રની સામે ઉગ્ર બન્યા છે. તેમનો આરોપ છે કે, તેમને ઓછુ વેતન આપવામાં આવી રહ્યું છે. BRTS ડ્રાઇવરોએ હડતાળને માંગ પુરી ના થાય ત્યાં સુધી યથાવત રાખવાની ચિમકી આપી છે. 


મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં ચૂંટણી ટાણે BRTS ડ્રાઇવરોની પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. પાલનપુર ડેપોના 75 જેટલા બસના ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા છે. હડતાળના પગલે પાલનપુરમાં BRTS બસો બંધ રહેતા મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે. ડ્રાઇવરોનો આરોપ છે કે, તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે, તંત્ર દ્વારા ડ્રાઇવરોને 22,500ના પગારના બદલે 15,600 રૂપિયા ચૂકવાઇ રહ્યો છે. ડ્રાઇવરોએ આ હડતાળને આગળ લંબાવવાની પણ વાત કરી છે, તેમને કહ્યું કે, યોગ્ય પગાર ના મળે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચિમકી આપી છે. શહેરમાં ડ્રાઈવરોની હડતાળના પગલે હવે મહાનગર પાલિકા એક્શનમાં આવ્યુ છે. કૉન્ટ્રાકટર વિરૂદ્ધ કડક કાર્યવાહી અને દંડ થાય તેવી શક્યતા છે.


BRTS બસ વિવાદમાં આવી, ચાલુ બસે ડ્રાઇવર જોઇ રહ્યો હતો IPL મેચ


અમદાવાદમાં AMTS બાદ હવે BRTS બસ વિવાદમાં આવી છે.  BRTS બસનો ચાલક ડ્રાઇવિંગ કરતા સમયે આઇપીએલ મેચ જોતા કેમેરામાં કેદ થયો હતો. અંજલિથી મણિનગર રૂટ પર દોડતી BRTS બસના ચાલકનો આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલકના એક હાથમાં સ્ટિયરિંગ અને બીજા હાથમાં મોબાઈલ છે. બે દિવસ પૂર્વે જ AMTS બસ ચાલકે કરેલા અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો.


એએમટીએસ બસે બાઇક ચાલકને કચડ્યો હતો


તાજેતરમાં જ  અમદાવાદમાં બેફામ દોડતી AMTS બસે શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે ટુ-વ્હીલર ચાલકને કચડ્યો હતો. એએમટીએસ બસનો ડ્રાઇવર અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ બસ ચાલકને પકડી લેવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. મણિનગર વિસ્તારમાં આવેલા ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે 52 વર્ષિય નવીન પટેલ પોતાનું ટુ-વ્હીલર લઇને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન જ પૂરપાટ ઝડપે આવતી AMTS બસે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં બસ તેમના પરથી ફરી વળતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.