Surat News: ડાયમંડ નગરી સુરતમાં રત્ન કલાકારના આપઘાતની ઘટના સામે આવી છે.  અડાજણ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે મંદીના કારણે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. 41 વર્ષીય મેહુલ ચૌહાણ પંડોળ વિસ્તારમાં હીરાના કારખાનામાં 15 વર્ષથી કામ કારતો હતો. 30 હજાર પગારનું કામ કરનારનો 15 હજાર પગાર થઇ ગયો હતો. ગુજરાન ચલાવવાનું મુશ્કેલ થતા આ પગલું ભર્યાનું પરિવાજનોએ જણાવી સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી.


સુરતના મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતો વેડરોડનો દલાલ અન્ય બે દલાલ પાસેથી રૂ.85.24 લાખની કિંમતના હીરા વેચાણ માટે લઈ જઈ પેમેન્ટ કર્યા વિના ઓફિસ બંધ કરી ફરાર થતા ઈકો સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર વલભીપુરના માલપરા ગામના વતની અને સુરતમાં વેડરોડ કેન્સર હોસ્પિટલ પાસે ક્રિષ્ના આર્કેડ એ/1-104 માં રહેતા 31 વર્ષીય નયનભાઈ ઉર્ફે પિન્ટુ પ્રેમજીભાઈ સોનાણી મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનું કામ કરે છે.વર્ષ 2016 માં તે સ્વાધ્યાય કાર્યક્રમમાં જતા હતા ત્યારે તેમની મુલાકાત હીરાદલાલ વિકાસ દેવરાજભાઈ તેજાણી   સાથે થઈ હતી.તેઓ અવારનવાર સ્વાધ્યાયમાં મળતા હોય તેમની વચ્ચે મિત્રતા થઈ હતી.દરમિયાન, એક વર્ષ પહેલા વિકાસ સાથે મુલાકાત થઈ ત્યારે તેણે પંડોળમાં ઓફિસ હોવાનું જણાવી હીરા વેચવા આપવા કહેતા નયનભાઈએ તેની સાથે વેપાર શરૂ કર્યો હતો.ત્યાર બાદ વિકાસે તેની ઓફિસ મહિધરપુરા હીરાબજાર એલ.બી.ચાર રસ્તા પોલીસ ચોકીની બાજુમાં ગોવર્ધન બિલ્ડીંગમાં શરૂ કરી હતી.


નયનભાઈએ તેને 14 જુલાઈ થી 7 ઓગષ્ટ 2023 દરમિયાન ત્રણ વેપારી પાસેથી કુલ રૂ.34,72,085 ના હીરા લઈ વેચવા આપ્યા હતા.વિકાસે તે હીરા જે વેપારીને વેચ્યા હતા તેની સહી કરેલી ચિઠ્ઠી પણ આપી હતી.જોકે, તેણે સમયસર પેમેન્ટ નહીં કરી વાયદા કરતા નયનભાઈ તેની ઓફિસે ગયા તો તે બંધ હતી.આજુબાજુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે ઓફિસ બંધ કરી ચાલ્યો ગયો છે.નયનભાઈએ વિકાસે જે વેપારીઓને હીરા વેચ્યા હતા તેમની પાસે જઈ પેમેન્ટની વાત કરી તો જાણવા મળ્યું હતું કે તેમને વિકાસે હીરા વેચ્યા જ નથી અને ચિઠ્ઠી પર સહી પણ તેમની નથી.વિકાસે નયનભાઈ પાસે હીરા ઉપરાંત હાથ ઉછીના રૂ.2.66 લાખ લઈ કુલ રૂ.37,38,085 અને અન્ય દલાલ કેવીન વિનુભાઈ ભૂંગળીયા   પાસેથી પણ રૂ.47,86,333 ના હીરા વેચાણ ,માટે લઈ જઈ પેમેન્ટ કર્યું નહોતું. કુલ રૂ.85,24,418 ની ઠગાઈ અંગે નયનભાઈએ આજરોજ વિકાસ તેજાણી વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેની તપાસ ઈકો સેલને સોંપવામાં આવી છે.ઈકો સેલે ઉઠમણું કરી ફરાર વિકાસની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.