Surat News, Ojasvi Foundation Hawala Scam Matter: ઇડીના દરોડા દેશભરમાં ચાલી રહ્યાં છે, અને ઠેકઠેકાણેથી ઇડીની તપાસમાં મોટા કૌભાંડ અને બેનામી હિસાબો જપ્ત કરવામાં આવી રહ્યાં છે. આ મુદ્દે હવે સુરતમાં પણ ઇડીએ બેનામી સંપતિ ધારકો પર કમર કસી છે. સુરતમાં ઓજસ્વી ફાઉન્ડેશન હવાલા કાંડમાં તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે, ઇડી તપાસમાં ઓજસ્વી ફાઉન્ડેશન હવાલા કાંડમાં 150 કરોડનો હવાલો મોકલ્યો હોવાનું સામે આવ્યુ છે, ગેરકાયદે ટ્રેડિંગ સાથે ફોરેક્સમાં 8500 લોકોને લાલચ અપાઇ છે. હવે ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં આવશે. 


મળતી માહિતી પ્રમાણે, ઓજસ્વી ફાઉન્ડેશન હવાલા કાંડ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. ઇડીના સર્ચ ઓપરેશનમાં 150 કરોડ હવાલાથી મોકલ્યાનો ખુલાસો થયો છે. અહીં ફૉરેક્સમાં 8500 લોકોને લાલચ અપાઈ હતી અને સાથે સાથે ગેરકાયદે ટ્રેડિંગ થતુ હોવાનું પણ મળ્યું હતુ. એન્ફૉસર્મેન્ટ ડિરેકટૉરેટ દ્વારા હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં ઇડીએ ઓજસ્વી ફાઉન્ડેશનથી નવા નવા મોટા ખુલાસો થઇ રહ્યાં છે. ફૉરેક્સ ટ્રેડિંગના ઓથા હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિ કરીને 150 કરોડ હવાલા મારફતે વિદેશ મોકલાયા હોવાનો પણ ખુલાસો થયો છે. આ ઉપરાંત 8500 લોકોને ફૉરેક્સ ટ્રેડિંગમાં રૂપિયા રોકવાની લાલચ પણ આપી અને આ કેસમાં ઢગલાબંધ ડૉકયુમેન્ટ જપ્ત કરાયા છે. હવે ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા લોકોની ધરપકડ થશે.


 


આ પહેલા ઓજસ્વી ફાઉન્ડેશન પર પડ્યા હતા દરોડા 


સુરત શહેરમાં ઈડીના દરોડા પડ્યા હતા. મળતી જાણકારી અનુસાર,  શહેરના ઓજસ્વી ફાઉન્ડેશનના સંચાલકોએ ફોરેક્સ ટ્રેડિંગમાં આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરીને હવાલાથી નાણા વિદેશ મોકલ્યા હોવાના આધારે સાત જગ્યા પર ઈડીએ તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં અત્યાર સુધીમાં એક કરોડથી વધુની રકમ જપ્ત પણ કરવામાં આવી હોવાની વિગતો મળી છે. ડુમસ રોડ પર આવેલ ધ મોન્ટેસામાં આવેલ ઓજસ્વી ફાઉન્ડેશન ફાયનાન્સ,એજ્યુકેશન, ફોરેક્સ ટ્રેડિંગ, ટ્રાવેલ,એન્ટરટેઈનમેન્ટ અને હોટલ અને રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલી સંસ્થા છે. આ સંસ્થા ઘણા સમયથી ફોરેક્સ ટ્રેડિંગની આડમાં હવાલાથી નાણા વિદેશ મોકલતા હોવાનું ઈડીને ધ્યાને આવ્યુ હતુ. ઓજસ્વી ફાઉન્ડેશનના સંચાલકોએ હવાલાથી નાણા મોકલવા માટે શહેરની બે આંગડીયા પેઢીની મદદ લીધી હોવાનો ખુલાસો થયો છે. જેમાં એચવી અને પીએમ આંગડીયા પેઢીના નામ ખુલતા ઈડીએ આ બંન્ને પેઢીમાં પણ તપાસ કરી હતી. તપાસમાં એક આંગડીયા પેઢીમાંથી રોકડા 75 લાખ જપ્ત કરવામાં આવ્યા છે. આ નાણા ઓજસ્વી ફાઉન્ડેશનના સંચાલકોએ વિદેશ મોકલવા માટે આપ્યા હોવાની આશંકાના આધારે ઈડીએ હાલ તો રોકડ રકમ જપ્ત કરીને નાણા ક્યાંથી આવ્યા અને કોને મોકલવાના છે તેની તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં કેટલાક અન્ય લોકોના પણ નામ ખુલવાની શક્યતા છે.


વરાછા અને કતારગામની આંગડિયા પેઢીમાં કરાયેલી તપાસની પુરતી વિગતો હજી આવી નથી. કહેવાય છે કે આ આંગડિયા પેઢી પણ હવાલાથી રૂપિયા મોકલવાના કારસ્તાનમાં સંડોવાયેલી છે. લાંબા સમય બાદ સુરત ઇડી મોટું ઓપરેશન શરૂ કર્યું છે.


નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં કેટલાક બિલ્ડરો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા. સાયન્સ સિટી અને હાઈકોર્ટ નજીકની ઓફિસો પર સર્ચ અને સર્વે હાથ ધરાયો હતો. આઇટી વિભાગના 150થી વધુ અધિકારીઓએ સર્ચ હાથ ધર્યું હતું.ત્રિકમ પટેલ અને અનિલ પટેલ શિપરમ ગ્રૃપના માલિકો છે. અવિરત ગ્રૃપ પર પણ IT વિભાગે દરોડા પાડ્યા હતા. ઓગણજ સાયન્સ સીટી વિસ્તારમાં આવેલ શિપરમ પરિસરની મુખ્ય ઓફિસ ખાતે ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી હતી. ત્રિકમ પટેલ અને અનિલ પટેલ શિપરમ ગ્રુપના માલિકો છે.જેમની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ અને ઓફિસ ઉપર સર્વે અને સર્ચ કરવામાં આવ્યું હતું. શિપરમ ગ્રુપ સાથે અવિરત ગ્રુપ ઉપર પણ ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. અલગ અલગ 25 જેટલા સ્થળોએ શરૂ કરવામાં આવેલી તપાસમાં ઇન્કમટેક્સ વિભાગના 150 જેટલા અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. રાજકોટમાં જીએસટી બોગસ બિલિંગ કૌભાંડને લઈ જીએસટી વિભાગે તપાસ હાથ ધરી હતી. રાજકોટના સોની બજારમાં VP જવેલર્સ સીલ મારવામાં આવ્યું હતું.  જ્યારે પારેખ બુલિયનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 1 હજાર 476 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.