Surat News: ડાયમંડ નગરી સુરતમાં હાર્ટ એટેકની વધુ એક ઘટના સામે આવી છે. કેટરર્સનું કામ કરતાં આધેડને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ 108 મારફતે પી પી સવાણી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
સુરતમાં હાર્ટ એટેકના લીધે મોત થવાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એક જ દિવસમાં ડુમસમાં 47 વર્ષીય આધેડ અને હજીરામાં 50 વર્ષીય આધેડ મળી બે ટ્રક ડ્રાઈવરોના અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. મૂળ ઝારખંડનો વતની અને હાલમાં મગદલ્લા ખાતે અંબુજા ફેકટરી પાસે રહેતો 47 વર્ષીય સરજુપ્રસાદ નીરૂ મહંતો ગુરુવારે બપોરે ત્યાં અચાનક ધુંજારી આવ્યા પછી બેભાન થઇ ગયો હતો. જેથી તેને 108 એમ્બ્યુલેન્સમાં સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો.જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. તેના સંબધીએ જણાવ્યું હતું કે સરજુ પ્રસાદ મગદલ્લા ખાતે ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તેને હાર્ટ એટેક આવ્યો હોવાની શકયતા છે.
બીજા બનાવમાં ઇચ્છાપોર ગામ ખાતે રહેતા 50 વર્ષીય રામુ કવલ સરોજ ગુરુવારે સાંજે હજીરા અદાણી ખાતે પાર્કીંગમાં ટ્રક પાર્ક કરી કેબિનમાં સૂતેલો હતો.ત્યારે તેની અચાનક તબિયત લથડતા બેભાન થઇ ગયા હતા. બાદમાં તે ટ્રકની કેબિનની અંદર જ મોતને ભેટયા હતા. જયારે તે મૂળ ઉતરપ્રદેશમાં પ્રતાપગઢનો વતની હતા. તે ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. તેમને હાર્ટ એટેકઆવ્યા હોવાની શક્યતાઓ પોલીસે દર્શાવી હતી.
થોડા દિવસ પહેલા સુરતમાં એક જ દિવસમાં ત્રણ લોકોના અચાનક મોત થયા હતા. સુરતના અમરોલીમાં મિત્રની બર્થ ડે પાર્ટીમાં ડાન્સ કરતી વખતે યુવક ઢળી પડ્યો હતો. અમરોલીના છાપરાભાઠા ખાતે નીચલી કોલોનીમાં રહેતો 26 વર્ષીય વિજય શંકર રાઠોડ મોડી રાત્રે ઘર પાસે મિત્રની બર્થ ડે પાર્ટીમાં ડાન્સ કરતો હતો તે સમયે તેની તબિયત બગડતા ઢળી પડયો હતો. જેથી તેને તરત 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે વિજય છુટક મજુરી કામ કરતો હતો.
રાંદેરના મોરાભાગળ ખાતે દેવ આશિષ સોસાયટીમાં રહેતો 35 વર્ષીય મનીષ બલદેવ સુરતી અડાજણમાં પ્રાઈમ આર્કેડ પાસે એટીએમ માંથી પૈસા ઉપાડીને બહાર આવ્યો હતો. તે સમયે તેને અચાનક ચક્કર આવ્યા બાદ બેભાન થઈ ગયો હતો. જેથી તેની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મનીષ મૂળ ઓલપાડનો વતની હતો. તે પાલિકામાં ફાયલેરીયા વિભાગમાં ફરજ બજાવતો હતો. વરાછા બોમ્બે માર્કેટ પાસે રેણુકા ભવન નજીક સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા 38 વર્ષના પુષ્પાબેન ધનંજયસિંહ ઠાકોર શનિવારે બપોરે ઘરમાં કામ કરતા હતા. તે સમયે તેમની અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયા હતા. જેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તેઓ મુળ ઉતરપ્રદેશના વતની હતા. તેમને બે સંતાન છે.