Surat: વિશ્વનું બીજું અને ભારત દેશનું પહેલું સૌથી નાની વયનું ઓર્ગન ડોનેશન સુરતમાં કરવામાં આવ્યું છે. સુરતમાં સૌ પ્રથમવખત સૌથી નાના બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. માત્ર 5 દિવસના બાળકનું અંગદાન કરવામાં આવ્યું હતું. નવજાત બાળકના અંગદાનથી 6 લોકોને જીવતદાન મળશે.બાળકના બે કિડની, એક લીવર, બરોળ અને બે આંખનું દાન કરવામાં આવ્યું હતું. બાળકની ચાઈલ્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યાં તેને બ્રેઈન ડેડ જાહેર કરાતા પરિવારે બાળકના અંગોના દાનનો નિર્ણય કર્યો હતો. વિશ્વમાં જન્મના આટલા ઓછા કલાકોમાં અંગદાન કરનાર બીજું જ બાળક છે. આ પહેલા સ્કોટલેન્ડમાં બાળકના અંગોનું દાન કરાયું હતું.
બાળક ના જન્મ થતાની સાથે જ 111 કલાક એટલે કે માત્ર 5 દિવસના બાળકનું અંગદાન થયું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન લેવામાં આવ્યું હતું. સુરતમાં પાંચ જ દિવસના બાળકના અંગોનું દાન કરાયું છે જેમાં કિડની, બરોળ, આંખ, લીવરનું દાન કરાયુ હતુ. બાળકોના અંગદાનમાં ભારતનું સૌથી નાની વયનું અંગદાન કરનાર સુરતનું બાળક બન્યું છે. વિશ્વમાં પણ જન્મના કલાકોમાં અંગદાન કરનાર બીજું જ બાળક છે. વિશ્વમાં સૌથી પહેલા યુકે માં 74 મિનિટમાં અંગદાન થયું છે. જન્મથી રડી કે હલનચલન કરી ન શકેલા બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય તેની માતા અને દાદીએ લઈને સમાજને ઉદાહરણ પુરુ પાડ્યું હતું.
સુરતના વાલક પાટીયા પાસે ગીતાંજલી રો હાઉસમાં રહેતા અને મૂળ અમરેલી નજીકના માળીલાના વતની હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે ૧૩ ઓક્ટોબરના રોજ દિકરાનો જન્મ થયો હતો. જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું અને રડતું પણ ન હતું. બાળકને વિશેષ સારવાર માટે ડૉ. અતુલ શેલડીયાની કેર ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કર્યું હતું. અહી બાળકને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. વિશેષ સારવાર માટે ડો.હિમાંશુ પાનસુરીયા (ન્યુરો), ડો. રીતેશ શાહ (ન્યુરો), ડો. અતુલ શેલડીયા(પીડીયાટ્રીશ્યન) દ્વારા બાળકની તપાસ કરતા બાળકને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યુ હતું. બાદમાં પારિવારિક મિત્ર હિતેષભાઈ કરકર દ્વારા ડૉ.નિલેશ કાછડીયાનો સંપર્ક થકી બાળકના અંગદાનની માહિતી મળી હતી અને તેમણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવીયાનો સંપર્ક કર્યો હતો.
બાળકના પિતા હર્ષભાઈ, માતા ચેતનાબેન, કાકા વ્રજભાઈ, દાદા અતુલભાઈ, દાદી રશ્મીબેન સૌએ સામૂહિક નિર્ણય લઈને માત્ર પાંચ જ દિવસના બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. બાળકના વિવિધ ટેસ્ટ કરાવ્યા હતા અને અંગદાન માટે બાળકને પી.પી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. IKDRCની મદદથી બાળકની બે કીડની, બે આંખ,બરોળ અને લીવરનું દાન લેવામાં આવ્યું હતું.
બાળકના તમામ અંગ પણ નાના બાળકોમાં જ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે. બંને કિડની અને બરોળ IKDRC અમદાવાદ, લીવર દિલ્હી ILDS હોસ્પિટલ, અને આંખ લોકદ્રષ્ટિ ચક્ષુબેન્ક સુરતને અપાયું હતું. જીવનદીપ ઓર્ગન ડોનેશનના વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે સંઘાણી પરિવાર અને ડૉક્ટરોની મદદથી આ ખૂબ મોટું કામ થયું છે. સરકારી વિભાગ પણ આ ઉમદા કાર્યમાં સતત મદદરૂપ થયું છે. બાળકોનાં અંગોનું પણ દાન થઈ શકે એવો દાખલો સંઘાણી પરિવારે સમાજને આપ્યો છે.