Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat Tour Fraud: સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપલોદના એક વેપારીની ફરિયાદના આધારે ટૂર ઓપરેટર અભિષેક ઠક્કર સામે કાર્યવાહી શરૂ કરી છે

- સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે ૫.૫૦ લાખની ઠગાઈ.
- ટૂર ઓપરેટરે ઇન્સ્ટાગ્રામથી સંપર્ક કરી ૬ ગ્રાહકોને છેતર્યા.
- બોગસ વાઉચરો આપી, ટૂર ઓપરેટર અભિષેક ઠક્કર ફરાર.
- છેતરપિંડીનો ભોગ બનતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
Surat Tour Fraud: સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, ચાઈના- હોંગકોંગની ટૂરના નામે 5.50 લાખની ઠગાઈના આરોપસર એક ટુર્સ- ટ્રાવેલ્સ સંચાલક સામે ફરિયાદ નોંધાઇ છે, હાલમાં આ સંચાલક 6 લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી ફરાર થઇ ગયો છે.
સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપલોદના એક વેપારીની ફરિયાદના આધારે ટૂર ઓપરેટર અભિષેક ઠક્કર સામે કાર્યવાહી શરૂ કરી છે. આ ટૂર ઓપરેટર વિરૂદ્ધ ચાઈના-હોંગકોંગ પ્રવાસના નામે છ લોકો સાથે ૫.૫૦ લાખની છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયો છે. આરોપીએ ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી બોગસ વાઉચરો મોકલી નાણાં પડાવ્યા બાદ ફરાર થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પીપલોદના વેપારી સહિત 6 લોકોએ ઈન્સ્ટાગ્રામ મારફતે ટૂર્સ-ટ્રાવેલ્સ સંચાલક અભિષેક ઠક્કરનો સંપર્ક કર્યો હતો. આરોપીએ વ્યક્તિદીઠ 1.29 લાખનો ખર્ચ થશે તેમ કહી વિઝા, ફ્લાઈટ ટિકિટ અને હોટલ બુકિંગના નામે લાખો રૂપિયા ઓનલાઈન મેળવી લીધા હતા. ત્યારબાદ, આરોપીએ ગ્રાહકોને હોટલ બુકિંગના બનાવટી (બોગસ) વાઉચરો મોકલ્યા હતા. બુકિંગ કરાવનારાઓએ ટૂર કેન્સલ કરીને પોતાના રૂપિયા પરત માગતા આરોપીએ નાણાં આપવાની ના પાડી દીધી હતી અને બાકીની રકમ માગતા જ ફોન પર જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. છેતરપિંડીનો અહેસાસ થતાં પીપલોદના વેપારીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં અભિષેક ઠક્કર સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે કાયદેસરનો ગૂનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી થતી આવી નાણાકીય છેતરપિંડી સામે નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી છે. ઉમરા પોલીસની આ તપાસથી ટ્રાવેલ એજન્ટોની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ આવશે અને ભવિષ્યમાં લોકો અધિકૃત એજન્સીઓ મારફતે જ બુકિંગ કરાવવા જાગૃત બનશે.
Before You Go
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર






















