સુરત: સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા  છે. આવારાતત્વનોને સુરત શહેરના પાંડેસરામાં 10 હજાર માટે યુવકની ઘાતકી હત્યા કરનારી ત્રિપુટીને પાંડેસરા પોલીસે ઝડપી પાડી છે. વિશાલ ગર્ગને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બાબતે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી કાર્યવાહી કરી છે. 


ત્રણ યુવાનોએ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો


સુરતના પાંડેસરા વિસ્તારની આશાપુરી સોસાયટીમાં રહેતા અને કેટરર્સ કારીગરોનો કોન્ટ્રાક્ટ લેતા યુવાનને ગત રાત્રે 10 હજારની રકમ વસૂલવા માટે ભીડભંજન આવાસ પાસે બોલાવી ત્રણ યુવાનોએ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરનાર ત્રણ યુવાનોને પાંડેસરા પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરામાં આવેલ આશાપુરી સોસાયટી વિભાગ - 2 ખાતે રહેતા વિશાલ શંકરભાઈ ગર્ગ  કેટરર્સના કારીગર સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. 


વિશાલ ગર્ગે અગાઉ રાકેશ જૈના પાસેથી ઉછીના પેટે 10 હજાર લીધા હતા


આ દરમિયાન વિશાલ ગર્ગે અગાઉ રાકેશ જૈના પાસેથી ઉછીના પેટે 10 હજાર લીધા હતા. આ રકમની લેતીદેતીમાં ઉશ્કેરાયેલા રાકેશ જૈનાએ ગત તારીખ 15 ડિસેમ્બરના રોજ રાત્રે અગાઉથી તેને પતાવી દેવાનું કાવતરું રચી ઊભેલા ભીડભંજન આવાસમાં રહેતા રાકેશ ઉપેન્દ્ર જેના, હરીશ રાજેશ રાઠોડ, કુમાર શત્રુઘ્ન બિશ્નોઈ સહિતે વિશાલ ગર્ગ ઉપર લાકડાના ફટકા વડે હુમલો કરી 'તું મેરા પૈસા ખા ગયા હૈ, આજ તુજે જિંદા નહીં છોડેંગે' એમ કહીને લોહીલુહાણ કરી મૂક્યો હતો. 


વિશાલ ગર્ગની હત્યામાં સંડોવાયેલા ત્રણેયની પોલીસે ધરપકડ કરી છે


આ સમયે બાઈક ઉપરથી પસાર થતા મિત્ર કૃણાલ પટેલ અને હિતેશ રાણાની નજર પડતાં વિશાલ ગર્ગ ઉપર થતાં હુમલામાં તેને બચાવવા દોડી ગયા હતા. જ્યાં તેમની ઉપર પણ રાકેશ સહિતે હાથપગમાં લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતાં વિશાલ ગર્ગને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસ મથકના પીએસઆઈ ડી ડી ચૌહાણે બાતમીના આધારે વિશાલ ગર્ગની હત્યામાં સંડોવાયેલા રાકેશ જૈના, હરીશ રાઠોડ અને કુમાર બિશ્નોઈને પકડી લઈને ધરપકડ કરી હતી.