તમિલનાડુના મદુરાઈમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. મદુરાઈમાં ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 9 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન 20 અન્ય લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, મદુરાઈ રેલ્વે સ્ટેશન નજીક બોડી લેનમાં પાર્ક કરેલી પ્રવાસી ટ્રેનમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને પ્રવાસ કરતા હતા જેના કારણે ટ્રેનના કોચમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
રેલવે તરફથી મળેલી માહિતી મુજબ આજે સવારે 5.15 વાગ્યે મદુરાઈ યાર્ડમાં પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી. ફાયર સર્વિસે પહોંચીને આગને કાબુમાં લીધી છે અને અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી
આ આગનું કારણ છે
દક્ષિણ રેલવેએ ટ્રેનમાં આગના કારણનો ખુલાસો કર્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર પેસેન્જર દ્વારા ગુપ્ત રીતે ગેસ સિલિન્ડર લઈ જવાના કારણે આગ લાગી હતી. અધિકારીઓએ કહ્યું કે, પેસેન્જરે ગેસ સિલિન્ડર છુપાવીને ટ્રેનમાં લઇ જતાં સમગ્ર દુર્ઘટના ધટી હતી.કોચમાં લાગેલી આગ ખૂબ વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
દક્ષિણ રેલવેએ જણાવ્યું કે, શનિવારે સવારે 5.15 વાગ્યે આગ લાગી હતી અને અડધા કલાક બાદ ઘટનાસ્થળે પહોંચેલા ફાયર સર્વિસના જવાનોએ સવારે 7.15 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પથરાયેલી વસ્તુઓમાં સિલિન્ડર અને બટાકાની થેલીઓ અને રસોઇની અન્ય સામગ્રી પણ મળી આવી હતી. જેના કારણે અનુમાન છે કે પેસેન્જર કોચમાં રસોઈ બનાવી રહ્યાં હતા.