Fire Broke In Hyderabad: દિવાળી નિમિત્તે બજારોમાં ફટાકડાની દુકાનો પણ લાગી ગઈ છે. આવી સ્થિતિમાં અત્યંત સાવચેતીની જરૂર છે, પરંતુ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ફટાકડાની દુકાનમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. દુકાનમાં અચાનક આગ લાગી અને પછી ફટાકડા ફોડવાના અવાજો આવવા લાગ્યા. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર ધૂમાડો છવાઇ ગયો હતો. ફટાકડામાં આગ લાગતા એક બાદ એક વિસ્ફોટ થવા લાગ્યા હતા.
હૈદરાબાદના સુલતાન બજાર પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ દિવાળી માટે સ્થાપિત ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. નાની આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને એક પછી એક વિસ્ફોટ થવા લાગ્યા, જેના કારણે દુકાન માલિક અને કર્મચારીઓ ડરીને સ્થળ પરથી ભાગી ગયા હતા. આગ એટલી ભડકી હતી કે, નજીકમાં પાર્ક કરેલા ટુ વ્હીલર પણ આગની લપેટમાં આવી ગયા હતા.
ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી
આગના સમાચાર મળતા જ સુલતાન બજારની પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં સતત વિસ્ફોટોના કારણે તણાવનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. પોલીસ પ્રશાસને દુકાનદારોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપી છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આગની ઘટનાના થોડા સમય બાદ આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા 30 સેકન્ડના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દુકાનમાં આગ લાગી છે અને થોડી જ વારમાં નાની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વીડિયોમાં ફટાકડાના જોરદાર અવાજો પણ સાંભળી શકાય છે. દુકાનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી આ મામલે કોઈ જાનહાનિના સમાચાર નથી.
શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે
એક તરફ આ દુર્ઘટના થઈ છે, તો બીજી તરફ હૈદરાબાદ પોલીસ કમિશનરે હૈદરાબાદ પોલીસની હદમાં 27 ઓક્ટોબર, 2024થી એક મહિના માટે કલમ 144 લાગુ કરી છે. એવું કહેવાય છે કે ઘણા સંગઠનો/પક્ષો ધરણાં અને વિરોધ પ્રદર્શન કરીને હૈદરાબાદ શહેરમાં જાહેર શાંતિ અને વ્યવસ્થાને અસર કરતા ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.