Cyclone Montha: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ રીઅલ ટાઇમ ગવર્નન્સ સોસાયટી સેન્ટરથી પરિસ્થિતિની સમીક્ષા કરી. પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી અને તેમને શક્ય તમામ સહાયની ખાતરી આપી.

Continues below advertisement

મંગળવાર ( 28 ઓક્ટોબર) ના રોજ વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધતાં માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક ત્રાટકવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજેતરના અહેવાલ મુજબ, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર સ્થિત મોન્થા છેલ્લા છ કલાકમાં લગભગ 13  કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

આંધ્રપ્રદેશમાં મોન્થાની મહત્તમ પવનની ગતિ 9૦-1૦૦ કિલોમીટર પ્રતિ કલાક રહેશે. ચક્રવાત હાલમાં ચેન્નાઈથી 420 કિલોમીટર, વિશાખાપટ્ટનમથી 5૦૦ કિલોમીટર અને કાકીનાડાથી 45૦ કિલોમીટર દૂર છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સમગ્ર દરિયાકાંઠાનો વિસ્તાર હાઇ એલર્ટ પર છે.

Continues below advertisement

PM મોદીએ નાયડુ સાથે ફોન પર વાત કરી.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ સચિવાલયમાં રીઅલ ટાઇમ ગવર્નન્સ સોસાયટી સેન્ટરથી પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી અને તેમને રાજ્યને શક્ય તમામ સહાયની ખાતરી આપી.

ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડૉ. એમ. મહાપાત્રાએ જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ સૌથી વધુ પ્રભાવિત થશે, ત્યારબાદ ઓડિશા અને ત્યારબાદ છત્તીસગઢનો ક્રમ આવશે. 28 થી 30 ઓક્ટોબર દરમિયાન આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે.

તેલંગણા: બે દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ

હવામાન વિભાગે આગામી બે દિવસમાં તેલંગણામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. પેડ્ડાપલ્લી, જયશંકર ભૂપલપલ્લી અને અન્ય જિલ્લાઓમાં 28 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગ્યાથી 29 ઓક્ટોબરના રોજ સવારે 8:30 વાગ્યા સુધી વાવાઝોડા, વીજળી અને તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આદિલાબાદ, કોમારામ ભીમ અને અન્ય ઘણા જિલ્લાઓમાં પણ આવી જ સ્થિતિ રહેશે.

કેરળ: ભારે વરસાદને કારણે બે લોકોના મોત

સોમવારે કેરળના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અલપ્પુઝા જિલ્લામાં, અર્થુનકલ દરિયા કિનારા નજીક એક માછીમારનું બોટ પલટી જતાં મૃત્યુ થયું. અંગમાલી નજીક મુકનૂરમાં વીજળી પડવાથી પશ્ચિમ બંગાળના એક વ્યક્તિનું મૃત્યુ થયું. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કોઝિકોડ, કાસરગોડ, કન્નુર, કોટ્ટાયમ અને પથાનામથિટ્ટા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.