Earthquake in Philippines Today: ફિલિપાઇન્સના મિંડાનાઓ વિસ્તારમાં શનિવારે સવારે (28 જૂન, 2025) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.૦ ની નોંધાઈ છે. આ ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 4:37વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર જમીનથી 105 કિલોમીટર ઊંડે હતું. હાલમાં, કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના કોઈ અહેવાલ નથી, પરંતુ ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક એજન્સીઓ સતર્ક છે અને લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે.
એનસીએસે તેના એક્સ (ટ્વિટર) હેન્ડલ પર જણાવ્યું હતું કે, 'મિંડાનાઓ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં, કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના કોઈ અહેવાલ નથી, પરંતુ લોકો ગભરાટમાં પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.'
ફિલિપાઇન્સ રિંગ ઓફ ફાયરમાં સ્થિત છે
ફિલિપાઇન્સ ભૌગોલિક રીતે રિંગ ઓફ ફાયરમાં સ્થિત છે, જ્યાં ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓ સામાન્ય છે. આ જ કારણ છે કે, દેશમાં સમયાંતરે ભૂકંપ આવતા રહે છે. સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ રાહત એજન્સીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. અત્યાર સુધી કોઈ ઇમારતને નુકસાન કે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
છેલ્લા પાંચ દિવસથી અલ્બેનિયામાં ધરતી ધ્રુજી રહી છે
છેલ્લા પાંચ દિવસથી અલ્બેનિયામાં ધરતી સતત ધ્રુજી રહી છે. માત્ર પાંચ દિવસમાં ત્રણ ભૂકંપથી લોકોમાં, ખાસ કરીને રાજધાની તિરાના અને તેની આસપાસના વિસ્તારોમાં, ગભરાટ અને તણાવની સ્થિતિ સર્જાઈ છે. જોકે, રાહતની વાત એ છે કે, અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા આંચકાઓએ સ્થાનિક લોકોને સતર્ક કર્યા છે.
મંગળવારે સવારે લગભગ 5:05 વાગ્યે પહેલો ભૂકંપ અનુભવાયો હતો, જેની તીવ્રતા 4.4 હતી. તેનું કેન્દ્રબિંદુ તિરાનાથી લગભગ 16 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં ક્રુજા નજીક હતું, અને તેની ઊંડાઈ પણ ઘણી ઓછી હતી, જેના કારણે રાજધાનીમાં પણ ભૂકંપના આંચકા સ્પષ્ટપણે અનુભવાયા હતા.