વડોદરા: વડોદરાના ચકચારી સ્વિટી પટેલ (ઉ.વ. 40) કેસમાં સ્વિટીની હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સ્વિટી પટેલની હત્યા  સ્વિટી સાથે છેલ્લાં આઠ વર્ષથી સંબંધ ધરાવતા અને પરીણિત હોવા છતાં તેની સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ(ઉ.વ. 35)એ કરી હોવાનો ધડાકો થયો છે. કરજણની પ્રાયોશા સોસાયટીમાં રહેતા પી.આઈ. દેસાઈ અને સ્વિટી વચ્ચે 4 જૂનની રાતે ઝગડો થતાં સ્વિટીની ગળું દબાવી હત્યા કરી નાંખી હતી.


સ્વિટી અને અજયના ઝગડામાં ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે, અજય દેસાઈની પત્ની અને સ્વિટી  પંદરેક દિવસના અંતરે જ ગર્ભવતી થઈ હતી. આ કારણે સ્વિટી અજય દેસાઈ સાથે લગ્નની વાત કરતી હતી અને તેના કારણે ઝગડા શરૂ થયા હતા. દરમિયાનમાં સ્વિટીએ ભારત છોડીને ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી બતાવી હતી. અજયે તે માટેનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી.


સ્વિટી ઓસ્ટ્રેલિયા જતી રહેશે એ વાતે અજય દેસાઈને હાશકારો થયો હતો પણ સ્વિટી ઓસ્ટ્રેલિયા નહીં જતા બન્ને વચ્ચે તકરાર વધી હતી. આ તકરારથી કંટાળીને સ્વિટીથી છૂટવા માટે અજય દેસાઈએ હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ પ્લાનને અંજામ આપવા એ વિચારતો હતો ત્યાં જ 4 જુનના રાતે અજય દેસાઈ અને સ્વિટી વચ્ચે ફરી ઝગડો થયો હતો. અજયે એ વખતે જ  સ્વિટી પટેલની ગળું દબાવી હત્યા કરી નાંખી હતી.


પોલીસને મળેલી માહિતી પ્રમાણે 2015માં અજય અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હતા ત્યારે એક સામાજીક કાર્યક્રમમાં આણંદની સ્વિટી દેસાઈ મળી હતી.  અજય દેસાઈ એ વખતે પરીણિત હતા ને સ્વિટી પણ પરીણિત હતી છતાં બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. સ્વિટી અજયથી 5 વર્ષ મોટી હતી.  સ્વિટીના બીજા લગ્ન અમેરિકા થયાં અને પણ આ લગ્ન પણ ના ટકતાં છૂટાછેડા થતાં પાછી ફરી પછી અજય દેસાઈ સાથે  ફરી સંબંધ બંધાયા હતા.