Continues below advertisement

વડોદરા શહેરના સૌથી મોટા જાહેર શાક માર્કેટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જગ્યાએથી આખા વડોદરા શહેરમાં શાકભાજી પહોંચે છે, તે શહેરની સૌથી મોટી માર્કેટમાં વેચાણ માટે લાવવામાં શાકભાજીનો સંગ્રહ એક શૌચાલયમાં કરવામાં આવતો હોવાના ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતી આ ચોંકાવનારી ઘટના સામે આવતા વડોદરાવાસીઓ હાલ રોષે ભરાયા છે. જાહેર શૌચાલયમાં શાકભાજી રખાતો હોવાનો વીડિયો વાયરલ થતા જ મનપાના માર્કેટ સુપ્રિટેન્ડન્ટ વિજય પંચાલ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચીને તાત્કાલિક શાકભાજીનો નાશ કરવામાં આવ્યો હતો. એટલુ જ નહીં, વિજય પંચાલે જાહેર શૌચાલયને સીલ પણ મારી દીધુ હતું. બેદરકારી દાખવવા બદલ જાહેર શૌચાલયના સંચાલક અને વેપારીને પણ નોટિસ ફટકારવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરના શાકબજારોમાં સ્વચ્છતા અને સંગ્રહ વ્યવસ્થાના અભાવનો મુદ્દો ઉઠાવ્યો છે.

કડી નજીકથી ઝડપાઈ શંકાસ્પદ તેલ બનાવવાની ફેક્ટરી

Continues below advertisement

મહેસાણાના કડી નજીકથી શંકાસ્પદ તેલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. ફુડ વિભાગે દરોડા પાડીને જય રણછોડ એસ્ટેટમાંથી શંકાસ્પદ તેલ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. સી.કે.પ્રોટીન્સ નામની આ જ શંકાસ્પદ ફેક્ટરીમાંથી જુના ડબ્બામાં ખાદ્ય તેલ ભરવામાં આવતુ હોવાનો ખુલાસો થયો છે. ફુડ વિભાગે રિફાઈન્ડ સોયાબીન આઈલ લેબલવાળા 100 સહિત કૂલ 636 તેલના ડબ્બા જપ્ત કર્યા છે. તેલના નમૂનાને તપાસ માટે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા છે.

પાણીના સેમ્પલ ફેલ આવ્યા

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અલવા ગામે આવેલ અમૃત વિધાલય નામની ખાનગી શાળામાંથી લેવામાં આવેલા પાણીના નમૂનાના રિપોર્ટ ફેલ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્ધારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. જોકે આ મામલે શાળા સંચાલકે પોતે પણ પાણીના નમૂનાનો ખાનગી લેબ ટેસ્ટ કરાવ્યો જેનો રિપોર્ટ યોગ્ય હોવાનો દાવો શાળા સંચાલક તરફથી કરવામાં આવ્યો છે. કાલોલ તાલુકાના અલવા ગામે આવેલ અમૃત વિદ્યાલય ખાનગી શાળામાં ગત 26 સપ્ટેમ્બર ના રોજ દૂષિત પાણી પીવાથી અથવા શાળામાંથી આપવામાં આવેલા નાસ્તાને કારણે 63 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનની અસર થવા લાગી હતી. બાળકોને અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં વાલીઓ શાળા ખાતે પહોંચી શાળા મેનેજમેન્ટ સામે ભારે રોષ ઠાલવ્યો હતો.