વડોદરા: ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પહેલીવાર કોઈ જૈન મુનિ ભારતથી પાકિસ્તામાં વિહાર કરવા નીકળ્યા છે. વલ્લભસૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજ આજે (21 મે 2023) અટારી-વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. તેઓ આવતીકાલે 22 મેના રોજ લાહોરના ગુજરાંવાલામાં સરકારી મ્યુઝિયમ સ્થિત જૈનોના ગચ્છોના ગુરુદેવ વિજયાનંદસૂરી મહારાજ(આત્મારામજી મહારાજ)ની ચરણપાદુકાનાં દર્શન કરશે.
તમારા બધા તરફથી પણ વંદના કરીશ
આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજે જણાવ્યું હતું કે તમે માની શકો છો, શરીર મારું હશે, અવાજ મારો હશે, દિલ મારું હશે, પરંતુ નહીં, આ શરીર, દિલ અને અવાજ તમારાં છે,. એવું માનીને હું ગુરુજી મહારાજ સાહેબને તમારા બધા તરફથી પણ વંદના કરીશ. હું ગુરુજીને વિશ્વાસ અપાવીશ કે તમે જે માર્ગ બતાવ્યો છે એના પર અમે સદાય ચાલતા રહેવાનો પ્રયાસ કરતા રહીશું.
કોરોનાકાળમાં મહારાજે ઓનલાઇન અભ્યાસ કરાવ્યો હતો
વડોદરાના જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજ એક મહિના માટે પાકિસ્તાનમાં વિહાર કરવા માટે ગયા છે. તેઓ આવતીકાલે લાહોર યુનિવર્સિટી ખાતે પહોંચશે અને ત્યાંથી પાકિસ્તાનમાં વિહાર કરવા માટે નીકળશે. આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજ 4 વર્ષ પહેલાં વડોદરામાં માંજલપુર જૈન સંઘમાં ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા. આ ઉપરાંત કોરોનાકાળમાં તેઓ પાવાગઢમાં ચાતુર્માસ કરવા પધાર્યા હતા. આ સમયે એમ.એસ. યુનિવર્સિટીએ તેમને પુસ્તક લખવા માટે રિક્વેસ્ટ કરી હતી, જેથી આચાર્યએ જીવ જગત નામનું પુસ્તક લખ્યું હતું અને જીવ જગત પુસ્તકનું વિમોચન એમ.એસ.યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું. કોરોનાકાળમાં આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજે ઓનલાઇન અભ્યાસ કરાવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા એ સમયે વડોદરાના પનોતા પુત્ર વલ્લભસૂરી મહારાજ ગુજરાંવાલામાં ચાતુર્માસ કરી રહ્યા હતા. એ સમયે દેશના તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલે મહારાજને વિનંતી કરી હતી કે ગુરુદેવ હાલ માહોલ સારો નથી, તમે તમારા સાધુ-સાધ્વી ભગંવતને લઇને અહીં હિન્દુસ્તાન આવી જાઓ, જેથી મહારાજે કહ્યું હતું કે અહીં બીજા જૈન અને હિન્દુઓ છે, તેમનું શું થશે? તમે મને અહીંથી લઇ જવા માગો છો તો હું એકલો નહીં આવું, મારી સાથે તમામ જૈન અને હિન્દુઓ આવશે, તમે તેમની વ્યવસ્થા કરશો તો જ હું આવીશ. ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલે આર્મી મોકલીને આચાર્ય મહારાજ, પોતાના શિષ્ય અને શ્રાવિક-શ્રાવિકાઓ સાથે ભારત પરત લાવ્યા હતા. વલ્લભસૂરી મહારાજનો જન્મ વડોદરાની જાની શેરીમાં થયો હતો.
કોઇ જૈન મુનિ પાકિસ્તાનની ધરતી પર નથી પહોંચ્યા
તેમણે ઉમેર્યું હતું કે જોકે ત્યાર પછી આઝાદીનાં 75 વર્ષ થઈ ગયાં, કોઇ જૈન મુનિ પાકિસ્તાનની ધરતી પર નથી પહોંચ્યા, પરંતુ આજે ભારત સરકાર અને પાકિસ્તાન સરકારે વલ્લભસૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદરસૂરીશ્વરજી મહારાજ, મુનિરાજ ઋષભચંદ્ર વિજય ધર્મ કીર્તિવિજય, મહાભદ્રવિજય મહારાજ અને તેમની સાથે 18 શ્રાવકને પાકિસ્તાનમાં વિહાર કરવાની મંજૂરી આપી છે. પાકિસ્તાનના લાહોર પગપાળા વિહાર કરીને તેઓ પહોંચશે. જ્યાં લાહોરના મ્યુઝિયમમાં આત્મારામજી મહારાજ એટલે કે વિજ્યાનંદસૂરી મહારાજની ચરણપાદુકાનાં દર્શન કરીને ગુજરાંવાલા તરફ વિહાર શરૂ કરશે.
તમામ સંપત્તિ સમાજને દાનમાં આપી દીધી
દીપકભાઇ શાહે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગુજરાંવાલા શહેરમાં જૈનો એક સમયે પાકિસ્તાનની ઇનોકોમી ચલાવતા હતા. અત્યારે પણ ગુજરાંવાલામાં અનેક જૈન મંદિરો આવેલાં છે. વલ્લભસૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજ મૂળ પંજાબના છે અને વર્ષો પહેલાં તેમણે આખા પરિવાર સાથે દિલ્હીમાં જૈન દીક્ષા લીધી હતી અને તેમની તમામ સંપત્તિ સમાજને દાનમાં આપી દીધી હતી.