વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મધુ શ્રીવાસ્તવે પણ દીકરાને ટેકો આપીને ભાજપ સામે ખુલ્લો બળવો કર્યો છે. વાઘોડિયા ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એલાન કર્યું છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારોને મારા આશીર્વાદ છે. મારા પુત્ર દીપક શ્રીવાસ્તવે અપક્ષ અને ભાજપમાંથી ઉમેદવારી નોધાવી છે અને દીપક શ્રીવાસ્તવ અપક્ષ લડશે તો હું એનો ચૂંટણી પ્રચાર કરીશ. મધુ શ્રીવાસ્તવે આ નિવેદન દ્વારા ભાજપ નેતાગીરીને ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે.


આ પહેલાં તેમના પુત્ર દીપકે પણ હુંકાર કર્યો હતો કે, હું ભાજપને હરાવીશ અને હું જ જીતીશ. વાઘોડિયાના ઘારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ફોર્મ ભરીને ભાજપ હાઈકમાન્ડને લીધો પડકાર ફેંક્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ 15માં ભાજપમાંથી ટિકિટ ના મળતા દીપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે. દીપક શ્રીવાસ્તવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 2015માં વોર્ડ નંબર 15માંથી ભાજપની ટિકિટ પરથી જીત મેળવી હતી પણ ભાજપના નવા નિયમ પ્રમાણે પિતા પાસે પક્ષની જવાબદારી હોવાથી ટિકિટ નથી મળી.