વડોદરાઃ યૂક્રેનમાં સર્જાએલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ઘણા લોકો ફસાયા છે. વડોદરાના પણ ચાર વિદ્યાર્થીઓ હાલ યૂક્રેનમાં ફસાયા છે. વડોદરાની સરસ્વતી સ્કૂલના પ્રિન્સિપલ હેતલ મહેતાની દીકરી સહિત અન્ય ચાર વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં ફસાયા છે. યુક્રેનની રાજધાની કિવમાં હાલ ફસાયેલા વિદ્યાર્થીઓ ભારત આવવા માટે તુર્કી એરલાઈન્સમાં નિકળવાના હતા પરંતુ તુર્કી એરલાઈન્સની ફ્લાઈટ કેન્સલ થતાં વડોદરાના આ 4 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. આ વિદ્યાર્થીઓ સાથે ભારતના કુલ 12 વિદ્યાર્થીઓ કિવ એરપોર્ટ પર ફસાયા છે.


આ 4 વિદ્યાર્થીઓ વડોદરાના હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓએ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનો સંપર્ક કર્યો હતો અને મદદ કરવા માટે અપીલ કરી હતી. ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટે આ મામલે વિદેશ મંત્રાલય સાથે વાત કરી હતી. વિદેશ મંત્રાલયને ફસાયેલા વિદ્યાર્થીઓની માહિતી આપીને સાંસદ રંજનબેન ભટ્ટે વિદ્યાર્થીઓની મદદ કરવા માટે જણાવ્યુ હતું. વિદેશ મંત્રાલયની મદદથી ફસાયેલા વિદ્યાર્થીઓને યૂક્રેનની એમ્બસી ખાતે પહોંચાડવામાં આવશે અને બીજી ફ્લાઈટની વ્યવસ્થા થતાં જ વિદ્યાર્થીઓ પરત આવશે. કિવમાં ફસાયેલા વડોદરાના આ વિદ્યાર્થીઓમાં પાદરાની અદિતિ પંડ્યા, વડોદરા શહેરની વિશ્વા મહેતા સહિતના 4 વિદ્યાર્થીઓ ફસાયા છે. 


પાટણના કેસણી ગામના રહેવાશી દર્શન પટેલ પણ યૂક્રેનમાં ફસાયા છે. દર્શન પટેલ યુક્રેનના ઓડેસા શહેરમાં રહે છે અને ભારત આવવાના હતા. પરંતુ ફલાઈટો બંધ થતા તેઓ યુક્રેનમાં અટવાઈ ગયા છે. દર્શન પટેલ MBBSના અભ્યાસ માટે યૂક્રેન ગયા હતા અને આજે પરત ભારત આવવાના હતા. પરંતુ આજે ફ્લાઈટો બંધ થતાં તેઓ પણ યૂક્રેનમાં અટવાઈ ગયા છે.


Russia-Ukraine War: યૂક્રેન-રશિયા વચ્ચેની તણાવની વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈન્ય કાર્યવાહીનો આદેશ આપી દીધો છે. પુતિને કહ્યું કે યૂક્રેનની સેના હથિયાર હેઠા મુકી દે. આ પછી યૂક્રેનના અલગ અલગ શહેરોમાં ધમાકાની ખબરો આવી રહી છે. 


એએફપી અનુસાર, પુતિને યૂક્રેન પર સૈન્ય કાર્યવાહીનો આદેશ આપતા કહ્યું કે રશિયાનો કબજો કરવાનો કોઇ ઇરાદો નથી, પરંતુ જો કોઇ બહારી ખતરો થાય છે તો તેનો તાત્કાલિક જવાબ આપવામાં આવશે. આની સાથે જ રશિયાએ યૂક્રેન સાથે લાગેલી સીમાની પાસે લગભગ બે લાખ જવાનોને તૈનાત કરી દીધા છે. વળી, બીજીબાજુ યૂક્રેનની રાજધાની કીવમાં ધમાકાના કેટલાય અવાજો સંભળાઇ રહ્યાં છે. વિસ્ફોટોનો અવાજ ક્રેમટોર્સ્ક અને યૂક્રેનના ત્રીજા સૌથી મોટા શહેર ઓડેસ્સામાં સંભળાઇ રહ્યાં છે.