વડોદરાઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે રાજ્ય સરકારે 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવ્યું છે. મિનિ લોકડાઉનથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં તો ઘટાડો થયો નથી પણ જેમની દુકાનો બંધ છે તેવા હજારો વેપારીઓમાં રોષ વધી રહ્યો છે. 


ગત શુક્રવારે મંગલ પાંડે રોડ પર વેપારીઓએ દેખાવો કર્યો હતા, જ્યારે ગઈ કાલે રાવપુરા રોડ પર રેડીમેડ કપડાના વેપારીઓએ પણ દેખાવો કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ કહ્યુ હતુ કે, સરકારે લાગુ કરેલા લોકડાઉનથી હજારો વેપારીઓને અન્યાય થઈ રહ્યો છે. ઉપરાંત આ પ્રકારના લોકડાઉનનો અર્થ પણ નથી. 


મિનિ લોકડાઉનમાં કારખાના ખુલ્લા છે અને પ્રોડક્શન થઈ રહ્યુ છે પણ તેને વેચવા માટેની દુકાનો સરકારે બંધ રખાવી છે. મિનિ લોકડાઉનના કારણે કોરોનાનુ સંક્રમણ પણ અટકી રહ્યું નથી. એક વેપારીએ કહ્યું હતુ કે, વેપારીઓએ અનિચ્છાએ પણ સરકારના આદેશનુ પાલન કર્યુ છે, પણ ૧૨ મે પછી સરકાર જો લોકડાઉન લંબાવશે તો પણ અમે રાવપુરા રોડ પરના વેપારીઓ દુકાનો ખોલીશું. સરકારને અને પોલીસને જે કરવુ હોય તો કરી લે.અમે તો દંડ પણ  ભરવાના નથી. કારણકે અમારી પાસે દંડ ભરવાના પણ પૈસા નથી.


અન્ય એક વેપારીએ કહ્યું હતું કે, સરકારે કાં તો લોકડાઉન કરવું હોય તો પૂરુ કરવુ જોઈએ અથવા તો લોકડાઉન ના કરવુ જોઈએ. સરકારે વેપારીઓનું વિચારવું જોઈએ. તેમને સૌથી વધારે જીએસટી અમે જ આપીએ છે તે બાબતનો પણ વિચાર કરવો જોઈએ.


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા છે. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે. 


 


રાજ્યમાં આજે 14770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,33,004 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.27   ટકા છે.