અમદાવાદઃ વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં જેલવાસ ભોગવતા પારૂલ યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ ડો. જયેશ પટેલનું મંગળવારે લાંબી બિમારી બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી ડો. પટેલ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા હતા. મંગળવારે સવારે 10.30 કલાકે મલ્ટિઓર્ગન ફેઈલ્યોરના કારણે તેમનું મોત થયું હતું. બુધવારે પરિવારજનો દ્વારા તેમની અંતિમવિધી વડોદરા ખાતે કરવામાં આવશે.


ડો. જયેશ પટેલને લિવર સોરાયસિસની પણ તકલીફ હતી અને તેના માટે પણ તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. પારૂલ યુનિ.ના ડૉ. દેવાંશુ પટેલે આ વિગતો જણાવી હતી.

ડો. જયેશ પટેલ રાજકારણમાં પણ સક્રિય હતા. પહેલાં કોંગ્રેસ સાથે જોડાઈને વાગોડિયા બેઠક પરથી ચૂંટાયેલા જયેશ પટેલે છેલ્લે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. પારૂલ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીએ 2016માં ડો. જયેશ પટેલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આરોપ મૂક્યો હતો. આ અંગેની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ કેસમાં ડો. જયેશ પટેલ વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે દિવસો પસાર કરી રહ્યા હતા.

ડો.જયેશ પટેલ સામે વાઘોડિયા પોલીસ મથકે 18 જૂન 2016ના રોજ ગુનો નોંધાયો હતો. ચાર દિવસ બાદ આ કેસમાં પોલીસે ડો.જયેશની ધરપકડ કરી હતી. 30 જૂનથી ડો.જયેશ પટેલ સેન્ટ્રલ જેલમાં બંધ થયાં હતાં. ગત ૮ જુલાઈએ સેન્ટ્રલ જેલમાંથી ડો.જયેશ પટેલને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતાં. એસએસજીથી વધુ સારવાર માટે તેમને 14 ઓગસ્ટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં.

મંગળવારે અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન ડો.જયેશને સવારે સાડા દસ કલાકે ફરજ પરના ડો. હિમાંશુ પટેલે મૃત જાહેર કર્યાં હતાં. આ ઘટના વાઘોડિયા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી.