વડોદરાઃ શહેરમાં હોસ્પિટલોને ફાયર એનઓસી અને ફાયર સિસ્ટમમાં ફેરફાર માટે નોટીસને મામલે હવે હોસ્પિટલો અને ફાયર વિભાગ સામસામે આવી ગયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(આઇએમએ)એ આરોગ્ય અમલદારને આ અંગે રજૂઆત કરી છે અને ચિમકી ઉચ્ચારી છે કે, હોસ્પિટલો સીલ કરાશે તો તબિબો એક પણ દર્દીને દાખલ નહીં કરે.

શહેરની 650 હોસ્પિટલો વતી આઈએમએએ આરોગ્ય અમલદારને રજૂઆત કરી છે. ફાયર વિભાગ સામે આઈએમએ ફાયર સેફ્ટીને લઈને સામસામે આવી ગયા છે. આ પ્રકારની સ્થિતિ વડોદરામાં પણ જોવા મળી છે. IMAના ડોકટર ચેતન લાલસેતાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, IMA નિર્ણયને લઈને અડગ છે. જો મનપા અમારી રજુઆત નહીં સ્વીકારે તો અમારે ના છૂટકે હોસ્પિટલ બંધ કરવી પડશે.

તેમણે ઉમેર્યું હતું કે, અમે નિયમો નું પાલન કરવા માટે બંધાયેલા છીએ. જોકે પૂરતો સમય આપે. જૂના બાંધકામ છે , જૂની હોસ્પિટલ છે ત્યાં નવા નિયમોનું પાલન કરવું તાત્કાલિક શક્ય નથી. સમય પૂરતો આપવો જોઈએ.