વાઘોડિયાના જરોદ પાસે આવેલી એલેમ્બિક કંપનીમા ઘ્વજવંદન માટે એલ્યુમીનીયમની સીડી ખસેડી લઈ જતી વખતે ગેટ પાસે આવેલા વિજપોલના વાયર સાથે અડી જતાં ત્રણ જેટલા સિક્યુરિટી જવાનને કરંટ લાગ્યો હતો. જેમાં કામરોલના મહેશભાઈ રમણભાઈ ઠાકોરને જોરદાર વીજકરંટ લાગતાં સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. જેઓને પોસ્ટ મોર્ટ અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગ્રામજનો સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં પરિવાર સાથે સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં.
સિક્યુરિટી ગાર્ડનું કરંટ લાગતાં મોત થતાં પરિવારજનો રોષે ભરાયા હતાં. આ ઉપરાંત પરિવારજનોએ માંગ કરી હતી કે જ્યાં સુધી કંપની મેનેજમેન્ટ કે વળતર માટેની વાટાધાટો ના કરે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. જરૂર પડશે તો મૃષદેહને કંપનીના ગેટ પાસે મુકવાની ચિમકી પણ ઊચ્ચારી હતી. આ ઘટનાના પગલે આગેવાનો સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
મોત નિપજનાર પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. વિધવા સહિત કુલ 50 લાખની માંગ કંપની સામે કરી હતી ત્યાર બાદ કંપનીમાં હોબાળો થતાં અંદાજે આઠ કલાક સુધી પરિવારજનો ગ્રામજનો અને આગેવાનો સાથે વાટાઘાટો માટે ઝઘડો શરૂ થયો હતો. અંતે 11 કલાક બાદ 17 લાખ રૂપિયા પરિવારને આપવાની મેનેજમેન્ટે તૈયારી બતાવી હતી. આ સાથે જ પરિવારની ત્રણ દિકરીમાંથી એકને નોકરી અને જ્યાંરે પુત્ર ઉંમર લાયક થાય ત્યારે તેની યોગ્યતાના ઘોરણે નોકરી આપવાની ખાત્રી આપતાં પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.