વડોદરાઃ વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વડોદરા ભાજપના ઉપપ્રમુખ મહેશ શર્માનું કોરોનાના કારણે નિધન થયું હતું. છેલ્લા ઘણાં દિવસોથી વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. મહેશ શર્માના પરિવારમાં તેમના પુત્ર અને પત્નીને પણ કોરોના થયો હતો. જોકે બંન્નેને ગઇકાલે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

નોંધનીય છે કે ગઇકાલે જ વડોદરામાં મંગળબજારના જાણીતા વેપારીનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. ખંડેલવાલ હોમ ડેકોર શો રૂમ સંચાલક સહિત પરિવારના 11 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં પાંચ બાળકો, ત્રણ મહિલાઓ સહિત 11ને કોરોના થયો હતો. તમામને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોનાના વધુ 78 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે વડોદરામાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 3525 થઇ ગઇ હતી. અત્યાર સુધી કોરોનાના 2729 દર્દી સાજા થયા હતા. જ્યારે અત્યાર સુધી કુલ 60 દર્દીઓના મોત થયા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 960 કેસ નવા કેસ નોંધાયા હતા. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 47467 પર પહોંચ્યો હતો