વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી, 362 કિલો જથ્થો ઝડપાયો
ગુજરાત સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ વડોદરા આરોગ્ય વિભાગે શહેરમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે.

- ગુજરાત સરકારે એનાલોગ પનીર પ્રતિબંધિત કર્યું, વડોદરામાં સઘન ચેકિંગ.
- ચેકિંગમાં 362 કિલો એનાલોગ પનીર જપ્ત થયું, 471 કિલો અખાદ્ય નાશ.
- પ્રતિબંધનો કડક અમલ ચાલુ રહેશે, કાયદેસર કાર્યવાહી કરાશે.
ગુજરાત સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ વડોદરા આરોગ્ય વિભાગે શહેરમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. ચારેય ઝોનમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન કુલ 362 કિલો એનાલોગ પનીર ઝડપાયું છે, જ્યારે 471 કિલો અખાદ્ય ખાદ્યસામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ ડેરી અને ટ્રેડિંગ એકમોમાંથી એનાલોગ પનીર મળી આવતા સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટીના નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
14 યુનિટમાં તપાસ, મોટી માત્રામાં એનાલોગ પનીર ઝડપાયું
આરોગ્ય વિભાગે શહેરના ચારેય ઝોનમાં કુલ 14 યુનિટમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન વિવિધ સ્થળોએ પ્રતિબંધિત એનાલોગ પનીરનો જથ્થો મળી આવતા તેને તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો હતો. હરણી સ્થિત હરે ક્રિષ્ના ટ્રેડર્સમાંથી સૌથી વધુ 291 કિલો એનાલોગ પનીર મળી આવ્યું હતું. આ ઉપરાંત આજવા રોડ પર આવેલી વ્હાઇટ હાઉસ ડેરીમાંથી 79 કિલો, આર.વી. દેસાઈ રોડ પર આવેલી શિવાંશ એન્ટરપ્રાઈઝમાંથી 12 કિલો અને ક્રીશીવ એન્ટરપ્રાઈઝમાંથી 80 કિલો એનાલોગ પનીર જપ્ત કરવામાં આવ્યું હતું.
અખાદ્ય બટરનો પણ કરાયો નાશ
એનાલોગ પનીર ઉપરાંત વાઘોડિયા રોડ સ્થિત દ્વારકેશ ડેરીમાંથી મળેલા 9 કિલો અખાદ્ય બટરનો પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. કુલ મળીને 471 કિલો અખાદ્ય ખાદ્યસામગ્રીનો નાશ કરવામાં આવ્યો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
પ્રતિબંધના કડક અમલ માટે ચેકિંગ ચાલુ રહેશે
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ લાગુ થયા બાદ સમગ્ર શહેરમાં સતત ચેકિંગ અભિયાન ચાલુ રહેશે. પ્રતિબંધિત ખાદ્યસામગ્રીનું વેચાણ, સંગ્રહ અથવા વિતરણ કરતા વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યભરમાં કડક અમલ
સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર, 5 ઓગસ્ટથી આગામી એક વર્ષ સુધી રાજ્યમાં એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં રહેશે. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા એનાલોગ પનીરનું વેચાણ, વિતરણ અથવા સંગ્રહ કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી
કમિશનર ઑફ ફૂડ સેફ્ટીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિશેષ ચકાસણી અભિયાન ચલાવવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ, ઉત્પાદકો અને વિતરકો સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈઓ મુજબ કડક પગલાં લેવામાં આવશે.
Before You Go
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા





















