Weather In India: ભારતીય હવામાન વિભાગે પંજાબ, હરિયાણા અને યુપીમાં તીવ્ર ઠંડીનું એલર્ટ જાહેર કર્યું છે. દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારત ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીની ચપેટમાં છે. ધુમ્મસના કારણે ઘણી જગ્યાએ વિઝિબિલિટી 200 મીટરથી પણ ઓછી નોંધાઈ રહી છે. તે સમયે, ભારતીય હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન માટે એલર્ટ જાહેર કર્યું છે.


હવામાન વિભાગની આગાહી: 


હાલમાં સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળો પોતાના પ્રચંડ સ્વરૂપમાં છે. ઘણા રાજ્યોમાં, લોકો સવારે અને રાતના સમયે ગાઢ ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં પણ સ્થિતિ ખરાબ છે. સવારે અને સાંજે ધુમ્મસના કારણે વિઝિબિલિટી નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 10 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


રાજધાની દિલ્હીમાં શીત લહેરની સાથે આજે સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. નોઈડામાં પણ કોલ્ડવેવનો પ્રકોપ ચાલુ છે. ધુમ્મસના કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. દિલ્હીના સફદરજંગમાં આજે લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં દિવસનું તાપમાન પણ 15-17 ડિગ્રી છે. રાજસ્થાનના ચુરુમાં લઘુત્તમ તાપમાન 0.5 ડિગ્રી સેલ્સિયસ છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા અને યુપીમાં આગામી કેટલાક દિવસો સુધી તીવ્ર ઠંડી રહેવાની છે, જ્યારે રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્ય સરકારોએ શાળાઓની રજાઓ વધારી દીધી છે.


ક્યાં અન કેવી છે ઠંડીની અસર સાથે શું કહ્યું IMDએ ?


1. ઠંડીને જોતા ઉત્તર પ્રદેશ સરકારે રવિવારે રાત્રે રાજ્યની શાળાઓમાં રજાઓ અંગે ફેરફાર કરી નોટિસ બહાર પડી હતી.  આ મુજબ ધોરણ 8 સુધીની તમામ શાળાઓ 14 જાન્યુઆરી સુધી બંધ રહેશે, સાથે જ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગોનું આયોજન કરવામાં આવશે.


2. ઝારખંડ સરકારે બાલમંદિરથી ધોરણ 7 સુધીના વિદ્યાર્થીઓ માટે રાજ્યની સરકારી અને ખાનગી શાળાઓને 14 જાન્યુઆરી સુધી બંધ રાખવાની નોટિસ બહાર પાડી છે.


3. IMDએ સોમવારે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ માટે આગામી કેટલાક દિવસો માટે કોલ્ડવેવની ચેતવણી આપી છે.


4. હવામાન એજન્સીએ સોમવારે ઉત્તર પશ્ચિમ ભારતમાં ધુમ્મસની આગાહી પણ કરી છે. IMD મુજબ,  ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે.


5.IMDએ રવિવારે જણાવ્યું હતું કે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં 9 જાન્યુઆરી પછી શીત લહેરની સ્થિતિ એકંદરે ઓછી થઇ જશે.