Manipur Violence: મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો સામે આવ્યા બાદ હવે ગેંગરેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પૂર્વોત્તર રાજ્યમાં મે મહિનાની શરૂઆતમાં જાતિ અથડામણ બાદ રાહત શિબિરમાં રહેતી પીડિતાએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.


મણિપુરમાં વધુને વધુ મહિલાઓ હવે પોલીસ સમક્ષ ફરિયાદ માટે આગળ આવી રહી છે અને અધિકારીઓ તેમને બોલવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હોવાથી તેઓ જે આઘાતજનક નિર્દયતાનો સામનો કરવો પડ્યો હતો તે વિશે જણાવી રહી છે. તાજેતરના કિસ્સામાં, મણિપુરના ચુરાચંદપુર જિલ્લાની 37 વર્ષીય મહિલાએ પણ પોલીસને તેની આપવિતી કહી હતી.  


 ચુરાચંદપુર જિલ્લાની મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેને પુરુષોના જૂથે પકડી લીધી હતી. આ ઘટના ત્યારે બની  હતી જ્યારે તે તેના બે પુત્રો, ભત્રીજી અને ભાભી સાથે સળગતા ઘરમાંથી ભાગી રહી હતી. પુરુષોના જૂથે તેને પકડી લીધી હતી અને  3 મેના રોજ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ એ જ દિવસની વાત છે જ્યાંથી મણિપુરમાં હિંસા શરૂ થઈ હતી.


'અન્ય મહિલાઓની પીડા સાંભળીને મને હિંમત મળી'


મહિલાએ જણાવ્યું કે, “અન્ય મહિલાઓ તેમની સાથે બનેલી ભયાનકતા વિશે બોલતી હોવાના સમાચારો જોઈને તેણે પોલીસ પાસે જવાની હિંમત એકઠી કરી. મહિલાએ કહ્યું, "મેં મારી અને મારા પરિવારની ઈજ્જત બચાવવા અને સામાજિક બહિષ્કારથી બચવા માટે આ ઘટનાનો ખુલાસો કર્યો ન હતો. આ ફરિયાદ દાખલ કરવામાં વિલંબ સામાજિક કલંકના કારણે થયો હતો. હું આત્મહત્યાનું પણ વિચારતી હતી” પીડિતાનું નિવેદન બિષ્ણુપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યું છે.                                               


પીડિત મહિલા રાહત શિબિરમાં રહી છે


પીડિત મહિલા વિસ્થાપિત લોકો માટે બનાવવામાં આવેલા રાહત શિબિરમાં રહે છે. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 376D, 354, 120B અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆર મુજબ, 3 મેના રોજ સાંજે 6.30 વાગ્યે આ ઘટના બની હતી. બદમાશોએ મહિલા અને તેના પડોશીઓના ઘરોને સળગાવવાનું શરૂ કર્યું. મહિલા તેના બાળકો સાથે ભાગી રહી હતી ત્યારે કેટલાક લોકોએ તેને પકડીને તેના પર દુષ્કર્મ ગુજાર્યો  હતો.