ક્ષત્રિય સમાજ વિશે  વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બનેલા પરષોતમ રૂપાલાએ આજે એક મોટો દાવો કર્યો તેમણે મીડિયા સમક્ષ રૂબરૂ થતાં જણાવ્યું કે, “મને તમામ સમાજનું અને ક્ષત્રિય સમાજના અનેક નેતાઓનું પણ સમર્થન છે. ક્ષત્રિય સમાજ મુદ્દે હવે મારે કંઈ કહેવું નથી, વિવાદમાં આગ હોમવાનો મારો કોઈ આશય નથીઃ” આ સાથે તેમણે આ મુદ્દાને વધુ હવા ન આપવા મીડિયાને પણ સલાહ આપી દીધી.


આ વિવાદના વંટોળ બાદ  હવે 7 એપ્રિલે  સુરતમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે..સુરતના  મોટા વરાછાના ગોપીન ગામમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનમાં સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને  આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનમાં પાટીદાર સહિતના સૌરાષ્ટ્રવાસીઓને ઉપસ્થિત આહવાન આપવામાં આવ્યું છે.



શું છે સમગ્ર મામલો


રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે. 


ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે આ સમગ્ર મામલે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોતમ રૂપાલાને ક્લિન ચીટ આપી છે. જો કે ક્ષત્રિય સમાજમાં હજુ પણ તેમના નિવેદનને લઇને વિરોધ શમ્યો નથી. કરણી સેનાના મહિલા મોરચાના પદ્મીના બાએ આ મુદે ન્યાય મેળવા માટે ઉપવાસ પર ઉતર્યાં છે.