IBA-Bank Union Pact: થોડા દિવસો પહેલા બેંક એસોસિયેશન અને બેંક એમ્પ્લોઈઝ યુનિયન વચ્ચે વિવિધ મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે. તે પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, હવે બેન્કમાં પણ  5 દિવસ વર્કિગ સપ્તાહ લાગુ કરવામાં આવશે.


બેંક કર્મચારીઓએ હજું ફાઇવ ડે વર્કિંગ માટે રાહ જોવી પડશે.  થોડા દિવસો પહેલા જ બેંક એસોસિએશન અને બેંક એમ્પ્લોઈઝ યુનિયન વચ્ચે વિવિધ મુદ્દાઓ પર સમજૂતી થયા બાદ બેંક કર્મચારીઓને ચૂંટણી પહેલા 5 દિવસના કામના સપ્તાહની ભેટ મળી શકે તેવી આશા વધી ગઈ હતી. જો કે, હવે લાખો બેંક કર્મચારીઓ નિરાશ થયા છે.


નાણામંત્રીએ આ સ્પષ્ટ ટિપ્પણી કરી હતી


નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં બેંકોમાં 5-દિવસના સપ્તાહ અંગે અપડેટ આપી હતી. નાણા પ્રધાન સીતારમણ 14 માર્ચે IIT ગુવાહાટી ખાતે વિકાસ ભારત એમ્બેસેડર કેમ્પસ ડાયલોગને સંબોધિત કરી રહ્યા હતા. સંબોધન પછી, તેમને બેંક કર્મચારીઓના વર્ક-લાઇફ બેલેન્સ અને દર અઠવાડિયે માત્ર 5 દિવસ કામ કરવા વિશે બેંકોમાં ચાલી રહેલી ચર્ચા વિશે પૂછવામાં આવ્યું. તેના જવાબમાં નાણામંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.


ગત સપ્તાહ કેટલાક મુદ્દા પર સહમિત સધાઇ હતી


અગાઉ 8 માર્ચે બેંકોના સંગઠન ઈન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે IBA અને વિવિધ બેંકોના કર્મચારીઓના યુનિયન વચ્ચે સમજૂતી થઈ હતી. કરારમાં બેંક કર્મચારીઓના પગારમાં વધારો કરવા પર સહમતિ સધાઈ હતી. તે પછી વિવિધ સરકારી બેંકોના કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થામાં વધારા સહિત અન્ય કેટલાક લાભો પર પણ ચર્ચા થઈ છે.


કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે


જો કે, બેંક કર્મચારીઓની જૂની માંગ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. બેંક કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે બેંકોમાં દર અઠવાડિયે માત્ર 5 દિવસ કામ અને દર અઠવાડિયે બે દિવસની રજા હોવી જોઈએ. હાલમાં બેંક કર્મચારીઓને દર રવિવારે રજા મળે છે, પરંતુ દર શનિવારે બેંકો બંધ હોતી નથી. મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે બેંકો ખુલ્લી રહે છે.


બીજા-ચોથા શનિવારે રજા છે


હાલમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે જે રીતે રજા મળે છે તેવી જ રીતે બેંક કર્મચારીઓ પણ પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે રજાની માંગ કરી રહ્યા છે. બેંક યુનિયન અને એસોસિએશન વચ્ચેની સમજૂતી બાદ એવા અહેવાલો આવ્યા હતા કે, નાણા મંત્રાલયની મંજૂરી આ માટે બાકી છે. ચૂંટણીની જાહેરાત પહેલા નાણા મંત્રાલય પાસેથી મંજૂરીની અપેક્ષા હતી. જો કે, આજ સુધી આવું કંઈ થયું નથી અને નાણામંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હાલમાં આવું નહીં થાય.


જાહેરાત બાદ આચારસંહિતા લાગુ કરવામાં આવશે


ચૂંટણી પંચ આજે બપોરે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચની જાહેરાત થતાની સાથે જ દેશમાં આચારસંહિતા લાગુ થઈ જશે. તે પછી કેન્દ્ર સરકાર કર્મચારીઓની રજા પર કોઈ નિર્ણય લઈ શકશે નહીં. તે સ્પષ્ટ છે કે, બેંક કર્મચારીઓને  હવે ફાઇવ ડે વર્કિંગ માટે નવી સરકાર રચાઇ ત્યાં સુધી રાહ જોવી પડશે