Strait of Hormuz ship transit: મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના અને દુઃખદ એમ બંને પ્રકારના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ ઈરાન પરના પ્રતિબંધો હટાવી લેતા હવે દરિયાઈ માર્ગે વેપાર એકદમ સરળ બની ગયો છે. 17 જૂને થયેલા એક મહત્વના કરાર બાદ ભારત તરફ આવી રહેલા 11 મોટા જહાજો હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી એકદમ સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે, જેમાં મોટા ક્રૂડ ઓઈલના જહાજો પણ સામેલ છે. બીજી બાજુ, કતારના રાસ લફાન ગેસ પ્લાન્ટમાં થયેલા એક ભયાનક વિસ્ફોટમાં 12 ભારતીય નાગરિકોના મોત થયા છે, જેને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતદેહોને વતન લાવવાની કવાયત તેજ કરી દીધી છે.
હોર્મુઝ સ્ટ્રેટમાંથી 11 જહાજોનું સુરક્ષિત આગમન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં સ્થિતિ સામાન્ય થતાં દરિયાઈ માર્ગે જહાજોની અવરજવર ફરી રાબેતા મુજબ થઈ ગઈ છે. 17 જૂને એક MoU (સમજૂતી કરાર) પર હસ્તાક્ષર થયા બાદ ભારત આવતા 11 જહાજો હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને સલામત રીતે આગળ વધી ચૂક્યા છે. આ 11 જહાજોમાંથી 3 તો ભારતીય ધ્વજ ધરાવતા વિશાળ ક્રૂડ ઓઈલ ટેન્કર છે, જેમાંથી દરેક ટેન્કર 285000 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈને ભારત આવી રહ્યું છે. આ ઉપરાંત 1 વિદેશી LPG કેરિયર, 1 વિદેશી ક્રૂડ ટેન્કર અને ખાતર ભરેલા 6 વિદેશી જહાજો પણ ભારત તરફ આવી રહ્યા છે. હાલમાં 10 જેટલા ભારતીય જહાજો હજુ પણ પર્સિયન ગલ્ફ વિસ્તારમાં છે અને 2 નવા ટેન્કરોએ અખાતમાં પ્રવેશ કર્યો છે. આ દર્શાવે છે કે હવે બંને તરફથી દરિયાઈ વેપાર પહેલાની જેમ જ સામાન્ય થઈ ગયો છે.
કતાર બ્લાસ્ટમાં 12 ભારતીયોએ જીવ ગુમાવ્યા
આ રાહતના સમાચારો વચ્ચે કતારથી એક બહુ જ દુઃખદ ઘટના બની છે. કતારના રાસ લફાન ઈન્ડસ્ટ્રીયલ સિટીના એક ગેસ પ્લાન્ટમાં થયેલા ભયંકર વિસ્ફોટમાં 12 ભારતીયોના કમકમાટીભર્યા મોત થયા છે. આ અંગે માહિતી આપતા પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "12 ભારતીય નાગરિકોનું મોત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ બ્લાસ્ટમાં અલગ-અલગ દેશોના કુલ 66 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલા ભારતીયો છે તેનો ચોક્કસ આંકડો હજુ મળ્યો નથી, પરંતુ રાહતની વાત એ છે કે તમામ ઘાયલો હાલ સુરક્ષિત છે."
આ પણ વાંચોઃ ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
વધુમાં તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલય અને ત્યાંના સ્થાનિક અધિકારીઓ મૃતદેહોની ઓળખ કરીને તેમને વહેલી તકે ભારત પરત લાવવા માટે સતત કામ કરી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં સરકાર મૃતકોના પરિવારજનોના સતત સંપર્કમાં છે અને તેમને તમામ શક્ય મદદ પહોંચાડાઈ રહી છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પની ધમકીથી ભડક્યું ઈરાન: ઝુરિચ શાંતિ વાટાઘાટો અધવચ્ચે છોડી પ્રતિનિધિમંડળ રવાના
