Nepal News: નેપાળના ધાદિંગ જિલ્લામાં સોમવારે (23 ફેબ્રુઆરી) એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી એક બસ નદીમાં ખાબકતા 18 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. મૃતકોમાં બે વિદેશી નાગરિકો (એક પુરુષ અને એક મહિલા) પણ સામેલ છે, જોકે તેઓ કયા દેશના છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

'ધ કાઠમંડુ પોસ્ટ' ના અહેવાલ મુજબ, નેપાળ પોલીસે 17 મૃતદેહો કબજે કર્યા હતા, પરંતુ ત્યારબાદ એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. આ રીતે મૃત્યુઆંક 18 પર પહોંચી ગયો છે. બાકીના ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

કેવી રીતે થઈ આ મોટી દુર્ઘટના?

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી, પરંતુ રસ્તામાં કોઈ કારણસર ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ ત્રિશૂલી નદીમાં પડી ગઈ. આ અકસ્માત રાત્રે અંદાજે 1.15 વાગ્યે થયો હતો. બસ ધાદિંગ જિલ્લાના બેનીઘાટ રોરાંક વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. અકસ્માતનું સચોટ કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

Continues below advertisement
Continues below advertisement

અકસ્માત સમયે બસમાં 44 લોકો સવાર હતા

મૃતકોમાં 12 પુરુષો અને 6 મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે બસમાં કુલ 44 મુસાફરો સવાર હતા. 26 જેટલા ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા. કેટલાકને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે મોટાભાગનાને વધુ સારવાર માટે કાઠમંડુ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત મધ્યરાત્રિએ થયો હતો, જેના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. જોકે, સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને સુરક્ષા કર્મચારીઓએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું.

અધિકારીઓએ શું આપી માહિતી?

ધાદિંગ જિલ્લા ટ્રાફિક પોલીસ ઓફિસના ચીફ શિશિર થાપાએ જણાવ્યું કે મૃત્યુઆંક વધીને 18 થયો છે. હાઈવે રેસ્ક્યુ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન રાજકુમાર ઠાકુરીએ પણ આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 25 ઘાયલ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. બસમાં 35 થી વધુ મુસાફરો સવાર હતા. રાત્રિનો સમય હોવાથી બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં નેપાળી સેના, આર્મ્ડ પોલીસ ફોર્સ, નેપાળ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.