Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
Bolivia Plane Crash: દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયામાં એક મોટી વિમાન દુર્ઘટના બની. બોલિવિયન એરફોર્સનું એક હર્ક્યુલસ C-130 વિમાન રનવે પરથી સ્લિપ થઇ ગયું, એરપોર્ટની બાઉન્ડ્રરી તોડીને રસ્તા પર ઉતરી ગયું.

Bolivia Plane Crash: શુક્રવારે (27 ફેબ્રુઆરી) દક્ષિણ અમેરિકન દેશ બોલિવિયામાં એક મોટી દુર્ઘટના બની. બોલિવિયન એરફોર્સ હર્ક્યુલસ C-130 વિમાન રાજધાની લા પાઝ નજીક એલ અલ્ટો શહેરમાં ક્રેશ થયું. 15 લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
એબીસી ન્યૂઝ અનુસાર, સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. વિમાન લેન્ડિંગ અથવા ટેકઓફ દરમિયાન રનવે પરથી સ્લિપ થઇ ગયું હોવાના અહેવાલ છે. ત્યારબાદ તે એરપોર્ટની સીમા જાળી તોડીને રસ્તા પર ઉતર્યું. વિમાન ઘણી કાર અને અન્ય વાહનો સાથે પણ અથડાયું હતું. ટક્કર એટલી ગંભીર હતી કે, ઘણા વાહનો સંપૂર્ણપણે નુકસાન પામ્યા હતા.
રસ્તા પર વિખરાયેલી નવી નોટો
અહેવાલ મુજબ વિમાન દેશના વિવિધ ભાગોમાં નવી નોટો લઈ જઈ રહ્યું હતું. અકસ્માત પછી, નોટો રસ્તા પર વિખરાયેલી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ આ ઘટનાને વીડિયો રેકોર્ડિગ પણ કર્યું હતું, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, લશ્કરી વિમાન અગાઉ સાન્ટા ક્રુઝ શહેરથી ઉડાન ભરી હતી અને રનવે પરથી લપસીને નજીકના રસ્તા પર ઉતર્યા પછી એલ અલ્ટોમાં ક્રેશ થયું હતું.
સ્થાનિક મીડિયા આઉટલેટ યુનિટેલે બોલિવિયાના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે, વિમાન દેશના આંતરિક ભાગમાં ચલણ લઈ જઈ રહ્યું હતું. રાષ્ટ્રીય એરલાઇન બોલિવિયાના ડી એવિએશિયને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અકસ્માત બાદ એલ અલ્ટો આંતરરાષ્ટ્રીય વિમાનમથક અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું,
પૈસા લૂંટવાનો એક દ્રશ્ય
સોશિયલ મીડિયા પરની તસવીરોમાં એક અલગ જ દ્રશ્ય દેખાઈ રહ્યું હતું. બચાવ કામગીરી ચાલી રહી હતી ત્યારે લોકો છૂટાછવાયા પૈસા લૂંટવા દોડી આવ્યા હતા. લોકો જમીન પર વિખરાયેલી નોટો એકઠી કરતા જોવા મળ્યા હતા. પોલીસે ભીડને વિખેરવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો, હજુ સુધી સ્પષ્ટ નથી કે, આ દુર્ઘટના વિમાન ઉડાન ભરતી વખતે ઘટી કે ઉતરાણ કરતી વખતે બની હતી. દુર્ઘટનાને લઇને તપાસ હાથ ધરાઇ છે.






















