Abdul Basit India attack: જમ્મુ અને કશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા ભયાનક આતંકી હુમલા, જેમાં ૨૬ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા અને અનેક ઘાયલ થયા, બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. ભારતે આ હુમલા માટે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. ભારતના આક્રમક વલણ બાદ પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે કે ભારત તેના પર લશ્કરી હુમલો કરી શકે છે. આ ભય વચ્ચે પાકિસ્તાનના ભારતમાં રહેલા પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે એક મોટું અને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે.

ABN NEWS સાથેની વાતચીત દરમિયાન પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે કહ્યું, "મને કોઈ શંકા નથી કે ભારત પાકિસ્તાન સામે ચોક્કસ પગલાં લેશે. બિહારમાં પીએમ મોદીએ જે રીતે વાત કરી, તેમણે જે ભાષાનો ઉપયોગ કર્યો તે આપણને વિચારવા મજબૂર કરે છે." તેમણે ૨૦૧૬માં ઉરીની ઘટના બાદ ભારતે કરેલા 'સર્જિકલ સ્ટ્રાઈકના નાટક'નો પણ ઉલ્લેખ કર્યો હતો.

અબ્દુલ બાસિતે આગળ કહ્યું કે ભારતીય મીડિયાને સાંભળીને એવું લાગે છે કે ભારત ચોક્કસપણે કાર્યવાહી કરશે, પરંતુ આ કાર્યવાહી કેટલી મોટી હશે તે જોવાનું બાકી છે. તેમણે ભારત દ્વારા તાજેતરમાં (ગઈકાલે) કરવામાં આવેલા મિસાઈલ પરીક્ષણનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પાકિસ્તાન તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે દાવો કર્યો કે ભારત ૭૨ કલાકની અંદર બદલો લેવા માંગે છે, પરંતુ પાકિસ્તાન સંપૂર્ણ રીતે સજ્જ છે.

'પાકિસ્તાન તેના હથિયારોનો ઉપયોગ કરશે', પાણી રોકવા સામે લોહી વહેડાવવાની ચીમકી

અબ્દુલ બાસિતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે જો ભારત અમારા પર હુમલો કરશે તો અમે પણ ચૂપ બેસીશું નહીં. અમે કોઈપણ હદ સુધી જઈશું. તેમણે સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવતા ભારતને ચેતવણી આપી કે, "હું આશા રાખું છું કે ભારત આપણું પાણી રોકશે નહીં. ભારતે ૧૦૦ વાર વિચારવું જોઈએ કે પાણી પુરવઠો રોકવાનો અર્થ શું છે. જો આ નદીઓમાં પાણી નહીં આવે તો લોહી વહેશે. તેનો કોઈ વિકલ્પ નથી."

અંતે, અબ્દુલ બાસિતે ફરી એકવાર સ્પષ્ટ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, "જો ભારત અમારા પર હુમલો કરશે તો અમે અમારી પાસેના તમામ હથિયારોનો ઉપયોગ કરીશું." પૂર્વ હાઈ કમિશનરનું આ નિવેદન પહેલગામ હુમલા બાદ બંને દેશો વચ્ચેના અત્યંત તણાવપૂર્ણ સંબંધો અને પાકિસ્તાનની પ્રતિક્રિયાત્મક માનસિકતા દર્શાવે છે.